Weather Update: આ વખતે હવામાનનો મિજાજ કોઈ સમજી શકતું નથી. ક્યારેક એટલી ગરમી હોય છે કે જીવન જીવવું પણ મુશ્કેલ બની જાય છે, તો ક્યારેક વરસાદ તૂટી જાય છે. ઉત્તર ભારતમાં ગરમીનો પ્રકોપ વધુ છે ત્યાં આસામમાં મૂશળધાર વરસાદને તબાહી મચાવી છે. હવે કર્ણાટકના બેંગ્લુરુની પણ આવી જ સ્થિતિ છે. થોડા કલાકોના વરસાદ બાદ અહીં પૂર જેવી સ્થિતિ ઉદભવી રહી છે. રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા છે.


આ એક દિવસમાં થયું


કાળઝાળ ગરમી વચ્ચે મંગળવારે બેંગલુરુમાં વાતાવરણ ખુશનુમા રહ્યું હતું. અહીં વરસાદ પડ્યો હતો. જો કે થોડા જ સમયમાં વરસાદે તબાહી મચાવવાનું શરૂ કરી દીધું હતું. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને સ્થિતિ પૂર જેવી બની હતી. રસ્તાઓ પર પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ છે. સર્વત્ર પાણી જોવા મળે છે.


મેટ્રો સેવાઓને પણ અસર


વરસાદને કારણે બેંગલુરુમાં મેટ્રો સેવાઓને પણ અસર થઈ છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વીજળી ગુલ થઇ ગઇ છે. આ કારણે મેટ્રોની અવરજવર પણ બંધ કરવી પડી છે. ટ્રાન્સફોર્મર ટ્રિપિંગને કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થવાની ફરિયાદો ઉઠી હતી.


શું કહે છે હવામાન વિભાગ


હવામાન વિભાગના જણાવ્યા મુજબ કર્ણાટકમાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી વરસાદ પડવાની ચેતવણી આપવામાં આવી છે. આંદામાન-નિકોબારમાં ઉત્તર-પશ્ચિમ ચોમાસાની અસરને કારણે વરસાદ જેવી સ્થિતિ રચાઈ રહી છે. આ કારણે વિભાગ દ્વારા વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે કહ્યું કે, આગામી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે.