બેંગલુરુઃ કર્ણાટકના કલબુર્ગીમાં 76 વર્ષીય વ્યક્તિનું મોત થઇ ગયું જે કોરોના વાયરસથી પીડિત હોવાની આશંકા હતી. જિલ્લા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે બુધવારે આ જાણકારી આપી હતી. વિભાગે એક સતાવાર નિવેદનમાં કહ્યું કે મૃતકની ઓળખ મોહમ્મદ હુસૈન સિદ્દીકી તરીકે થઇ છે જેનું મંગળવારે સરકારી હોસ્પિટલમાં મોત થયું છે.

વિભાગના અધિકારીઓએ કહ્યું કે, તેના બ્લડ સેમ્પલ તપાસ માટે બેંગલુરુની એક પ્રયોગશાળામાં મોકલવવામાં આવ્યા હતા. રિપોર્ટની રાહ જોવામા આવી રહી છે. તેમણે કહ્યુ કે, સિદ્દીકી તાજેતરમાં જ સાઉદી અરેબિયાથી પાછા ફર્યા હતા જ્યાં તે એક ધાર્મિક યાત્રા માટે ગયા હતા.

દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાઇ ચૂક્યો છે. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી નડીને ડોરિસ પણ કોરોના વાયરસનો ભોગ બન્યા છે. તેમણે કહ્યું કે, હું પુષ્ટી કરી શકું છું કે હું કોરોના વાયરસની તપાસમાં પોઝિટિવ સાબિત થઇ છું. હું ઘરથી અલગ રહું છું. ધ ટાઇમ્સના અહેવાલ અનુસાર, તે વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત સેંકડો લોકો સાથે સંપર્કમાં રહી હતી. તે શુક્રવારે બીમાર પડી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે બીમારીથી સ્વસ્થ થઇ રહી છે. મંત્રીએ બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, હું એનએચએસ કર્મચારીઓનો આભાર માનું છું કે જેમણે મને સલાહ અને સહયોગ આપ્યો હતો.