નવી દિલ્હીઃ એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહેલ જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજનૈતિક રંગ બદલાઈ ગયા છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. સિંધિયાના રાજીનામા બાદ 22 કોંગ્રેસ ધારાસબ્યોએ પણ રાજીનામું આપી દીધું છે. એક બાજુ કમલનાથ સરકાર પર જોખમ તોળાઈ રહ્યું છે તો બીજી બાજુ ભાજપ સરકાર બનાવવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનાર જ્યોતિરાદિત્ય સિંધિયાને અંતે ભાજપમાં જઈને મળશે શું?


અહેવાલ અનુસાર જ્યોતિરાદિત્ય સિંધિયાને  ભાજપ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરી શકે છે. જો સિંધિયા ભાજપના ઉમેદવાર બને છે તો તેનું રાજ્યસભામાં પહોંચવાનું લગભગ નક્કી છે. ઉપરાંત સિંધિયાને મોદી કેબિનેટમાં પણ સ્થાન મળી શકે છે. અહેવાલ છે કે, સિંધિયાને પકડ જોતા તેને સંગઠનમાં પણ કોઈ જવાબદારી આપવામાં આવી શકે છે. સૂત્રો અનુસાર સિંધિયા 12 માર્ચના રોજ પોતાના સમર્થકો અને કોંગ્રેસના અનેક ધારાસભ્યોની સાથે  ભાજપમાં જોડાઈ શકે છે. સૂત્રોએ એ પણ કહ્યું કે, ભાજપમાં જોડાતા પહેલા સિંધિયા ગ્વાલિયરમાં પોતાના સમર્થકોને સંબોધિત કરી શકે છે.

એક્સપર્ટ અનુસાર અત્યાર સુધીમાં કોંગ્રેસ પાર્ટીમાં પોતાની એક અલગ જ ઓળખ ધરાવનાર જ્યોતિરાદિત્ય બીજેપીમાં પોતાની ઓળખ ગુમાવી શકે છે. તેમને યશોધરા રાજે સિંધિયા તરફથી બીજેપીના કેન્દ્રિય નેતૃત્વની વાત માનવી પડશે. જ્યોતિરાદિત્યના ગ્વાલિયર ક્ષેત્રના 18 ધારાસભ્ય છે અને આ દરેક ધારાસભ્ય બીજેપી વિરુદ્ધ ચૂંટણી લડીને જીત્યા છે. હવે જ્યારે આગામી ચૂંટણીમાં બીજેપીને આ સિંધિયા સમર્થક ધારાસભ્યોને ટિકિટ આપવી પડશે. જે બિલકુલ સરળ નથી.

એવું કહેવામાં આવે છે કે કેન્દ્રિય નેતૃત્વના કહેવા પર ભલે મધ્યપ્રદેશ બીજેપી જ્યોતિરાદિત્યને સ્વીકાર કરી લે પરંતુ ભગવા પાર્ટીના નેતા મધ્યપ્રદેશમાં લાંબા સમય સુધી સિંધિયાને ચાલવા દેશે, તેમાં શંકા છે. નરેન્દ્ર તોમર, જયભાણસિંહ પવૈયા, અટલ બિહારી વાજપેયીના ભત્રીજા અનુપ મિશ્રા, બીડી શર્મા, અરવિંદ ભદૌરિયા, નરોત્તમ મિશ્રા આ દરેક ગ્વાલિયર ક્ષેત્રમાંથી જ બીજેપીના નેતા છે અને સિંધિયાના વિરોધી માનવામાં આવે છે.