નવી દિલ્હીઃ કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ગોવિંદ એમ કરજોલનું કહેવું છે કે ખરાબ રસ્તાઓ દુર્ઘટનાઓનું કારણ નથી બનતા કારણ કે યોગ્ય અને સુરક્ષિત રસ્તાઓના કારણે દુર્ઘટનાઓ થાય છે. ગોવિંદ એમ કરજોલે કહ્યું કે, ખરાબ રસ્તાઓના કારણે નહી પરંતુ  સારા અને સુરક્ષિત રસ્તાઓના કારણે દુર્ઘટનાઓ થઇ રહી છે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, લોકો 120-160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાર ચલાવે છે. મોટાભાગની દુર્ઘટનાઓ હાઇવે પર થાય છે. સાથે જ તેમણે નવા મોટર વ્હીકલ એક્ટને લઇને કહ્યું કે, તે વધુ દંડની રકમનું સમર્થન નથી કરતા. રાજ્યનું કેબિનેટ દંડ રકમ પર ચર્ચા કરશે.

દેશભરમાં ખરાબ રસ્તાઓનો મામલો લોકો ઉઠાવતા રહે છે. રસ્તાઓની સ્થિતિ દેશમાં હાલમાં કાંઇ સારી નથી. જોકે, આખા દેશમાં રસ્તાઓની સ્થિતિ સુધારવા માટે સડક પરિવહન અને રાજ માર્ગ મંત્રાલય તરફથી કામગીરી કરવામાં આવી રહી છે.

નવો મોટર વ્હીકલ એક્ટ જ્યારે દેશભરમાં લાગુ કરવામાં આવ્યો જેનો અનેક રાજ્યોના લોકો વિરોધ કરી રહ્યા છે. આ એક્ટમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમ વધારવામાં આવી છે. ત્યારબાદ રસ્તાઓ પર નિયમોનો ભંગ લોકોના ખિસ્સા પર ભારે પડી રહ્યુ છે.