Karanataka School Teacher To Muslim Students: દેશમાં વધુ એકવાર મોટો વિવાદ શરૂ થયો છે. હાલમાં જ કર્ણાટકમાં એક સ્કૂલની શિક્ષિકા વિવાદોમાં આવી છે. કર્ણાટકના શિવમોગા જિલ્લામાં એક સ્કૂલની શિક્ષિકા શિક્ષક પર મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક વર્તન કરવાનો આરોપ લાગ્યો છે. શાળાની શિક્ષિકા કથિત રીતે બે મુસ્લિમ વિદ્યાર્થીઓને પાકિસ્તાન ચાલ્યા જવાનું કહ્યું હતું. મામલો ગરમાયા બાદ મહિલા શિક્ષિકાની બદલી કરવામાં આવી છે અને તેની સામે તપાસ શરૂ કરવામાં આવી છે.


જનતા દળ સેક્યૂલરની અલ્પસંખ્યક વિન્ગના શિવમોગા જિલ્લા અધ્યક્ષ નઝરુલ્લાએ આ મામલે શિક્ષણ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. હિન્દુસ્તાન ટાઈમ્સે નઝરુલ્લાને ટાંકીને પોતાના અહેવાલમાં લખ્યું છે કે, મંજુલાદેવી ગુરુવારે (31 ઓગસ્ટ) 5મા ધોરણના બાળકોને ભણાવી રહી હતી, તે દરમિયાન બે બાળકો વચ્ચે લડાઈ શરૂ થઈ ગઈ હતી. શિક્ષિકાએ બાળકોને ઠપકો આપ્યો અને કહ્યું, "આ તેમનો દેશ નથી. હિન્દુઓનો છે."


અલ્પસંખ્યક શાખાના શિવમોગા જિલ્લા પ્રમુખ નઝરુલ્લાએ જણાવ્યું હતું. "જ્યારે બાળકોએ અમને આ ઘટના વિશે જણાવ્યું ત્યારે અમે ચોંકી ગયા. અમે ડેપ્યૂટી ડાયરેક્ટર ઓફ પબ્લિક ઇન્સ્ટ્રક્શન (DDPI)ને ફરિયાદ કરી અને વિભાગે શિક્ષિકા વિરુદ્ધ કાર્યવાહી કરી,"


શિક્ષિકાએ શું કહ્યું  ?
ઘટનાની તપાસ કરનાર બ્લૉક એજ્યૂકેશન ઓફિસર (BEO) બી નાગરાજે કહ્યું છે કે અન્ય વિદ્યાર્થીઓએ પણ ઘટનાની પુષ્ટિ કરી છે. નાગરાજે કહ્યું, "શિક્ષિકાએ વિદ્યાર્થીઓને કથિત રીતે કહ્યું: આ તમારો દેશ નથી, આ હિંદુઓનો દેશ છે. તમારે પાકિસ્તાન ચાલ્યુ જવું જોઈએ. તમે કાયમ માટે અમારા ગુલામ છો."


બ્લૉક એજ્યૂકેશન ઓફિસર નાગરાજે વધુમાં જણાવ્યું હતું કે તેમણે આ મામલે તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી આગળનો નિર્ણય લેવામાં આવશે.


યુપીમાં પણ ઘટી હતી મુસ્લિમ વિદ્યાર્થીને માર મારવાની ઘટના  - 
કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થીઓ સાથેની આ ઘટના એવા સમયે બની છે જ્યારે થોડા દિવસો પહેલા ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં એક મુસ્લિમ વિદ્યાર્થીને ક્લાસમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક મહિલા શિક્ષક વર્ગના વિદ્યાર્થીઓને મુસ્લિમ વિદ્યાર્થીઓને મારવાનું કહી રહી હતી. આ ઉપરાંત મહિલા શિક્ષક પણ વિદ્યાર્થી વિશે ટિપ્પણી કરતી જોવા મળી હતી.


મારપીટનો મામલો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો અને વિરોધ પક્ષોએ આ માટે ઉત્તરપ્રદેશની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધી, અસદુદ્દીન ઓવૈસી જેવા નેતાઓએ તેને ભાજપની નફરતની રાજનીતિનું પરિણામ ગણાવ્યું હતું.