Secret of Empty Chair : રાજનીતિમાં ખુરશીનો ખેલ ગજબનો હોય છે. પહેલા તો આ ખુરશી માટે વિરોધીઓ પાસેથી છેનવી લેવા માટે અનેક ગતકડા અને સોગઠાબાજી કરવી પડે છે. જ્યારે તે મળી જાય છે ત્યાર બાદ આ ખુરશી પર કોણ બેસશે તેને લઈને સત્તાની સાઠમારી શરૂ થાય છે. જોકે આખરે આ ખુરશી તો એને જ ભાગે આવે છે જેના ભાગ્યમાં રાજયોગનું સુખ લખાયેલું હોય. તાજેતરમાં જ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના સામે આવેલા પરિણામોએ સૌકોઈને ચોંકાવ્યા છે. કોંગ્રેસને મળેલી પ્રચંડ જીતથી પાર્ટીને તો સંજીવની મળી જ છે સાથો સાથ વિરોધીઓને પણ આશ્ચર્ય પમાડ્યું છે. 


હવે કર્ણાટકમાં મુખ્યમંત્રી કોણ હશે તેને લઈને લઈને રાજનીતિ તેજ બની છે. કોંગ્રેસ માટે આ બાબત ધીમે ધીમે માથાનો દુ:ખાવો બનતી જાય છે. ક્યા દિગ્ગજના શિરે મુખ્યમંત્રીનો તાજ સજશે તેને લઈને હાલ તો મંથન ચાલી રહ્યું છે. સમય આવ્યે કોંગ્રેસ તરફથી પત્તા ખોલવામાં આવશે. પરંતુ એક ખાલી ખુરશી આજકાલ ચર્ચાનો વિષય બની છે. 


ખાલી ખુરશીનું રહસ્ય શું? 


કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચાર પૂરો થવાના બે દિવસ પહેલા કોંગ્રેસના સોશિયલ મીડિયા હેન્ડલ્સે એક વીડિયો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કર્ણાટક કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ બે આરામદાયક ખુરશીઓ પર બેઠા છે. કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા એક ખુરશી પર અને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ડીકે શિવકુમાર બીજી ખુરશી પર બેઠેલા જોવા મળે છે. આ બંને ચહેરાઓને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. કોંગ્રેસની કર્ણાટક ચૂંટણી આ બંનેના ખભા પર છે.


વીડિયો સાવધાની સાથે બનાવવામાં આવ્યો હતો. વીડિયોમાં કોંગ્રેસના નેતાઓ એકબીજા સાથે વાત કરતા જોવા મળે છે. નેતાઓએ એકબીજા સાથે ચૂંટણી વિશે વાત કરી, સિદ્ધારમૈયાના હાથમાં થયેલા ઈન્ફેક્શન વિશે વાત કરી, હેલિકોપ્ટર દુર્ઘટનામાં શિવકુમાર સહેજથી બચી જવાની વાત પણ કરી. કોંગ્રેસની આ બેઠક દરમિયાન જ એક પ્રસંગ એવો આવ્યો જ્યારે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની વચ્ચે બેઠેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમની ખુરશી પરથી ઉભા થયા ગયા. સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર એક જ સમયે ખાલી ખુરશી તરફ જુએ છે. બરાબર રાઈટ ટાઈમે ક્લિક કરવામાં આવેલી આ તસવીર હવે વાયરલ થઈ રહી છે. આ તસવીરને કર્ણાટકના સીએમની ખુરશી માટેના જંગ તરીકે જોવામાં આવી રહી છે.