મુંબઈ: રાજસ્થાનની રાજપૂત કરણી સેનાએ જાણીતા ગીતકાર જાવેદ અખ્તરને ઘૂંઘટ પર પ્રતિબંધવાળા નિવેદનને લઈને ધમકી આપી છે. બુર્ખાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે જાવેદ અખ્તરે ભોપાલમાં કહ્યું હતું કે દેશમાં બુર્ખા પર પ્રતિબંધ લગાવવાની વાતો કરી રહ્યાં છે તો રાજસ્થાનમાં પણ ઘૂંઘટની પ્રથા ખતમ કરી દેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે શિવસેના દ્વારા દેશભરમાં બુર્ખા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.


જાવેદ અખ્તરે ભોપાલમાં કહ્યું હતું કે, “ અહીં બુર્ખા પર પ્રતિબંધ લગાવવાનો કાયદો લાવવા માંગો છો તો મને કોઈ વાંધો નથી પરંતુ રાજસ્થાનમાં ચૂંટણી પહેલા સરકારે ઘૂંઘટ પ્રથા પર પણ પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરવી જોઈએ.
ટીઓઓઈના અહેવાલ અનુસાર, કરણી સેનાના મહારાષ્ટ્ર વિંગના અધ્યક્ષ જીવન સિંહ સોલંકીએ એક પત્ર લખીને કહ્યું કે, “બુર્ખો આતંકવાદ સાથે જોડાયેલ છે, અમે જાવેદ અખ્તરને ત્રણ દિવસમાં માંફી માંગવા કહ્યું કે કાં તો પરિણામ ભોગવે. સોલંકીએ આ પત્રને એક વિડિયો મારફતે મોકલ્યો છે. જેમાં જાવેદ અખ્તરને ચેતવણી આપી છે. જો તમે માફી નહીં માંગો તો અમે તમારા ઘરમાં ઘુસીને તમને હરાવીશું.”

જાવેદ અખ્તરે આ વિવાદ વચ્ચે શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, કેટલાક લોકો મારા નિવેદનને ખોટી રીતે રજૂ કરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. મે કહ્યું હતું કે શ્રીલંકામાં સુરક્ષાના કારણે આ કરવામાં આવ્યું છે. પરંતુ વાસ્તવમાં મહિલા સશક્તિકરણ માટે આ જરૂરી છે. ચહેરાને ઠાંકવાનું બંધ કરી દેવું જોઈએ પછી તે નકાબ હોય કે ઘૂંઘટ.