જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની શક્યતા છે. આ પહેલા ચૂંટણી પંચે મોટી જાહેરાત કરી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હૃદેશ કુમારે જણાવ્યું હતું કે રાજ્યમાં રહેતા બિન-કાશ્મીરીઓ તેમના નામ મતદાર યાદીમાં સામેલ કરાવીને પોતાનો મત આપી શકે છે. આ માટે તેમને રહેઠાણ પ્રમાણપત્રની જરૂર નથી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા માટે તૈનાત સુરક્ષા દળોના જવાનો પણ મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરી શકે છે.
હૃદેશ કુમારે બુધવારે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં આ વખતે લગભગ 25 લાખ નવા મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થવાની આશા છે. તેમણે કહ્યું કે કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મજૂરો અને કોઈપણ બિન-સ્થાનિક જે કાશ્મીરમાં રહે છે તેઓ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે. તેમણે કહ્યું કે મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી નથી. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સુરક્ષા દળોના જવાનો પણ મતદાર યાદીમાં નામ સામેલ કરીને મતદાન કરી શકે છે.
હૃદેશ કુમારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 નાબૂદ થયા બાદ પ્રથમ વખત મતદાર યાદીમાં વિશેષ સુધારો કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે મોટો ફેરફાર થવાની આશા છે. એટલું જ નહીં ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં યુવાનો 18 વર્ષ કે તેથી વધુ વયના બની ગયા છે.
જમ્મુ-કાશ્મીરમાં હવે 76 લાખ મતદારો છે
તેમણે કહ્યું કે 15 સપ્ટેમ્બરથી મતદાર યાદીમાં નામ સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. 25 ઓક્ટોબર સુધી ચાલશે. જો કે, દાવાઓ અને વાંધાઓનું નિરાકરણ 10 નવેમ્બર સુધીમાં કરવામાં આવશે. હૃદેશ કુમારના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં 18 વર્ષથી વધુ ઉંમરના લગભગ 98 લાખ લોકો છે, જ્યારે અંતિમ મતદાર યાદી મુજબ સૂચિબદ્ધ મતદારોની કુલ સંખ્યા 76 લાખ છે.
પીડીપી ચીફ અને પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યુ હતું કે જમ્મુ કાશ્મીરમા ચૂંટણી મુલતવી રાખવાનો ભારત સરકારનો નિર્ણય પહેલા ભાજપને ફાયદો પહોંચાડવા અને હવે બિન-સ્થાનિકોને મત આપવા દેવાનો નિર્ણય ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરવાનો છે વાસ્તવિક ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને શક્તિહીન બનાવીને J&Kનું શાસન ચાલુ રાખવાનો છે.