KBC 16 First Crorepati: અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિમાં એવા ઓછા જ અવસરો આવે છે જ્યારે કોઈ વ્યક્તિના માથે કરોડપતિનો તાજ સજે છે. કેબીસીની 16મી સીઝન 12 ઓગસ્ટથી શરૂ થઈ હતી અને હવે આ સીઝનને તેનો પ્રથમ કરોડપતિ મળી ગયો છે. જમ્મુ કાશ્મીરના રહેવાસી આ વ્યક્તિનું નામ ચંદ્ર પ્રકાશ છે. જે માત્ર 22 વર્ષના છે. જોકે ચંદ્ર પ્રકાશ 7 કરોડના પ્રશ્નનો જવાબ આપી શક્યા નહીં અને તેમને એક કરોડ લઈને ઘરે જવું પડ્યું, પરંતુ પ્રશ્ન એ ઊઠે છે કે આખરે ચંદ્રપ્રકાશના ખાતામાં કેટલા પૈસા આવશે? શું તેમને પૂરી એક કરોડની રકમ મળશે કે તેમાંથી ટેક્સ કપાશે તો કેટલો? ચાલો જાણી લઈએ.


આટલું કપાય છે TDS


કૌન બનેગા કરોડપતિમાં બધા પ્રશ્નોના જવાબ આપતા જો કોઈ વ્યક્તિ એક કરોડ રૂપિયા જીતે છે તો તેના ખાતામાં પૂરી રકમ આવતી નથી. પરંતુ સૌ પ્રથમ તેની જીતેલી રકમમાંથી TDS કપાય છે. ભારતીય કર નિયમો અનુસાર, સ્પર્ધકે જીતેલી રકમમાંથી સેક્શન 194B હેઠળ, 30 ટકા TDS આપવો પડે છે. આમ, સ્પર્ધકના 30 લાખ રૂપિયા TDSના રૂપમાં કપાઈ જાય છે. આ ઉપરાંત આ રકમમાંથી સ્પર્ધકે સરચાર્જ પણ આપવો પડે છે, જે TDSની રકમનો 10 ટકા હોય છે એટલે કે સ્પર્ધકની જીતેલી રકમમાંથી 3 લાખ રૂપિયા વધુ ઓછા થઈ જાય છે. કુલ મળીને એક કરોડની રકમમાંથી સ્પર્ધકના 33 લાખ રૂપિયા ઓછા થઈ જાય છે.


સરચાર્જ અને સેસ કેટલું કપાય છે?


જો કોઈ સ્પર્ધક 50 લાખની રકમ જીતે છે તો તેણે સરચાર્જ આપવો પડતો નથી, પરંતુ જો કોઈ સ્પર્ધકે તેનાથી વધુ રકમ જીતી હોય તો તેણે સરચાર્જ આપવો પડે છે. સરચાર્જ કપાયા પછી પણ સ્પર્ધકે સેસના રૂપમાં TDS રકમના 4 ટકા પૈસા આપવા પડે છે, સરળ ભાષામાં સમજીએ તો સ્પર્ધકના 33 લાખનો 4 ટકા સેસ કપાશે, જે 1 લાખ 32 હજાર રૂપિયા થાય છે. આમ, સ્પર્ધકના 1 કરોડ રૂપિયામાંથી 34 લાખ 32 હજાર રૂપિયા કપાઈ જાય છે.


ચંદ્ર પ્રકાશના ખાતામાં આવશે આટલા પૈસા


બધા પૈસા કપાયા પછી KBC 16માં એક કરોડની રકમ જીતનાર ચંદ્ર પ્રકાશના ખાતામાં લગભગ 65 લાખ 68 હજાર રૂપિયા જ આવશે.


આ પણ વાંચોઃ


કંગના રનૌતે ફરી એવો તે શું બફાટ કર્યો કે BJP એ સામે આવીને સ્પષ્ટતા કરવી પડી