લખનઉઃ કોગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખ્યો છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સુરક્ષા વ્યવસ્થાના કારણે લોકોને પરેશાની થઇ રહી છે. જ્યારે તે સોનિયા ગાંધી સાથે રાયબરેલીના પ્રવાસ પર આવી હતી તો તેમની સાથે 22 કારનો કાફલો હતો. જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલીઓ થઇ હતી. પ્રિયંકાએ આગળ લખ્યું કે, બીજા રાજ્યોમાં મારી સાથે ફક્ત એક કાર હોય છે જેને કારણે લોકોને પરેશાની થતી નથી. પ્રિયંકાએ યોગી આદિત્યનાથને વિનંતી કરી હતી કે ઉત્તર પ્રદેશમાં તેમના પ્રવાસ દરમિયાન સુરક્ષાની વ્યવસ્થા જેટલી ઓછી રખાય તેટલી ઓછી રાખવામા આવે જેથી સામાન્ય લોકોને કોઇ મુશ્કેલીઓ થાય નહીં.

પ્રિયંકા ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખેલા પત્રમાં કહ્યુ હતુ કે, પ્રવાસ દરમિયાન પ્રશાસન અને પોલીસ વિભાગ દ્ધારા કરવામાં આવતી સુરક્ષાની વ્યવસ્થાની હું પ્રશંસા કરું છું પરંતુ સુરક્ષા વ્યવસ્થાને કારણે લોકોને થતી પરેશાનીથી હું ખૂબ દુખી છું. જનતાના સેવક હોવાના કારણે પ્રજાને કોઇ પરેશાની થવી જોઇએ નહીં. ઉત્તર પ્રદેશમાં મારા માટે હંમેશા ટ્રાફિક રોકવામાં આવે છે જેનાથી લોકોને મુશ્કેલી થાય છે. મારા મતે તેની કોઇ જરૂરત નથી.