નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ વિભાગે બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતીના ભાઈ અને પાર્ટી ઉપાધ્યક્ષ આનંદ કુમાર અને તેની પત્ની સામે મોટી કાર્યવાહી કરી છે. ઈન્કમટેક્સ વિભાગે નોયડામાં આવેલો 400 કરોડ રૂપિયાનો પ્લોટ જપ્ત કર્યો છે.


આવકવેરા વિભાગના સૂત્રોનો દાવો છે કે, આનંદ કુમારની કેટલીક અન્ય બેનંબરી સંપત્તિની જાણકારી પણ તેમની પાસે છે. જેને ભવિષ્યમાં જપ્ત કરવામાં આવી શકે છે. આનંદ કુમાર સામે થયેલી કાર્યવાહીની અસર માયાવતીને પણ થઈ શકે છે. આ મામલાની તપાસ ઈન્કમટેક્સ વિભાગ ઉપરાંત ED પણ કરી રહ્યું છે.


ઈન્કમટેક્સ વિભાગના જણાવ્યા મુજબ, માયાવતીના ભાઈ આનંદ કુમારની 1300 કરોડ રૂપિયાની સંપત્તિની તપાસ ચાલી રહી છે. આનંદકુમારની સંપત્તિમાં 2007થી 2014 સુધીમાં 18000 ટકાનો વધારો થયો હોવાનો ઈન્કમ ટેક્સ વિભાગનો દાવો છે. તેની સંપત્તિ 7.1 કરોડ રૂપિયાથી વધીને આટલા જ વર્ષોમાં 1300 કરોડ રૂપિયા થઈ ગઈ છે.