Delhi News: લોકસભા ચૂંટણીની વચ્ચે દિલ્હીમાં આપ અને બીજેપી વચ્ચે ઘમાસાન શરૂ થઇ ગયુ છે. દિલ્હીમાં અત્યારે આપ નેતા સ્વાતિ માલિવાલ મામલે તપાસ તેજ થઇ છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલના મામલામાં દિલ્હી પોલીસ રવિવારે સીએમ અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) ઘરે પહોંચી હતી. દિલ્હી પોલીસ ઘરમાં હાજર સીસીટીવી અને ડીવીઆર મેળવવાનો પ્રયાસ કરી રહી છે. દિલ્હી પોલીસે (Delhi Police) કૉર્ટમાં આ ડીવીઆરનો ઉલ્લેખ પણ કર્યો હતો. આ દરમિયાન સીએમ કેજરીવાલ બીજેપી હેડક્વાર્ટર સુધી કૂચ કરીને તેમના નિવાસસ્થાને પરત ફર્યા હતા.
તપાસ એજન્સીએ તેમને પોલીસ કસ્ટડીમાં મોકલનાર મેટ્રોપૉલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ ગોયલને જણાવ્યું કે કેજરીવાલના સહયોગીઓ પોલીસને સહકાર આપી રહ્યાં નથી અને જવાબ આપવાનું ટાળી રહ્યા છે. રિમાન્ડ અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “આ એક ખૂબ જ ગંભીર કેસ છે જેમાં એક સાંસદ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો જે જીવલેણ હોઈ શકે છે. ચોક્કસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવા છતાં, આરોપીએ તપાસમાં સહકાર આપ્યો નથી અને જવાબ આપવાનું ટાળી રહ્યો છે.
હજુ સુધી નથી આપવામાં આવ્યુ ડીવીઆર - દિલ્હી પોલીસ
તેમાં કહેવામાં આવ્યું છે કે આ કેસમાં સૌથી મહત્વપૂર્ણ પુરાવા ઘટના સ્થળનું ડીવીઆર છે જે હજુ સુધી પોલીસને આપવામાં આવ્યું નથી. પોલીસ કસ્ટડીની માંગણી કરતી અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રીના નિવાસસ્થાનના એક જુનિયર એન્જિનિયરે કબૂલ્યું હતું કે જ્યાં ડીવીઆર અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા ત્યાં તેની પાસે પહોંચ નથી પરંતુ બાદમાં તેણે ડાઇનિંગ રૂમનો વીડિયો આપ્યો હતો પરંતુ આ કથિત ઘટના સમયની કોઈ ફૂટેજ નથી.
સહકાર નથી આપી રહ્યો વિભવ કુમાર - દિલ્હી પોલીસ
અરજીમાં કહેવામાં આવ્યું છે કે વિભવ કુમાર શનિવારે સીએમ આવાસ પર હાજર હતા અને જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે તેઓ ટાળતા જોવા મળ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, "ગુનાના સ્થળે તેમની હાજરી ઈલેક્ટ્રોનિક સાધનો સહિતના મહત્વના પુરાવા સાથે ચેડાં કરવાની પ્રબળ શક્યતા ઊભી કરે છે." આરોપી પ્રભાવશાળી વ્યક્તિ છે અને નવ વર્ષથી વધુ સમયથી સત્તાવાર હોદ્દા પર કામ કરી રહ્યો છે, તેથી તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે અને દબાણ કરી શકે છે.