ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર બાદ હવે કેરલની ઝાંખી પણ જોવા નહી મળે
abpasmita.in | 03 Jan 2020 04:58 PM (IST)
ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર પછી હવે કેરળની ઝાંખી પણ જોવા નહી મળે.
નવી દિલ્હી: ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર પછી હવે કેરળની ઝાંખી પણ જોવા નહી મળે. કેરળે પોતાના ટેબ્લોમાં થેય્યમ અને કલામંડલમની પારંપરિક કળાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જેને સંરક્ષણ મંત્રાલયની સિલેકશન કમિટીએ ફગાવી દીધો છે. આ પહેલાં પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રની ઝાંખીને ગણતંત્ર દિવસની પરેડમાં સામેલ કરવાની મંજૂરી આપવામાં નથી આવી. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે મહારાષ્ટ્રની ઝાંખી હંમેશા દેશનું આકર્ષણ રહી છે. તેમણે કહ્યું કે જો આ પ્રકારની કાર્યવાહી કોંગ્રેસના શાસનમાં થઈ હોત તો મહારાષ્ટ્ર ભાજપ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હોત. ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથ પરથી અનેક ટેબ્લો નીકળે છે જેમાં રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્રીય મંત્રાલયની ઝાંખી હોય છે. આ વર્ષે થનારા પરેડમાં કુલ 22 ઝાંખીઓ રજૂ થશે જેમાંથી 16 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશની જ્યારે 6 ઝાંખી અલગ અલગ મંત્રાલયની હશે. સંરક્ષણ મંત્રાલય પાસે પરેડ માટે કુલ 56 ઝાંખીઓના પ્રપોઝલ આવ્યા હતા.