નવી દિલ્હીઃ લોકો કરિયરમાં ઝડપથી પ્રગતિ કરવા માટે નોકરી બદલતા રહેતા હોય છે. તાજેતરમાં જ દિવસોમાં આ ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધ્યો છે. જોકે કેટલાક લોકો એવા હોય છે જે લાંબા સમયથી એક કંપનીમાં નોકરી કરતા હોય છે. કંપનીઓ આવા કર્મચારીઓ પ્રોત્સાહિત પણ કરતી હોય છે. કેરળની એક કંપનીએ તો પોતાના વફાદાર કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે એવું કામ કર્યું છે જેનાથી તમામ લોકો હેરાન છે. કંપનીએ પોતાના જૂના કર્મચારીને સર્વિસ બદલ બ્રાન્ડ ન્યૂ મર્સિડીઝ કાર ગિફ્ટ આપી છે.






કેરળના બિઝનેસમેન એકે શાઝી જે રિટેલ આઉટલેટ ચેઇન MyGના માલિક છે અને કેરળમાં તેના 100થી વધુ સ્ટોર ચાલે છે. તેમણે પોતાની સાથે છેલ્લા 22 વર્ષથી કામ કરી રહેલા કર્મચારી સીઆર અનીશને લગભગ 45 લાખ રૂપિયાની મર્સિડીઝ-બેન્ઝ ક્લાસ 220 ડી કાર ગિફ્ટમાં આપી છે. શાઝીએ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો પણ શેર કર્યો છે.


એક વીડિયોમાં શાઝી કાર ગિફ્ટ કર્યા બાદ કર્મચારી અનીશના વખાણ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે અનીશ ફક્ત કર્મચારી નહી પરંતુ સારો મિત્ર પણ છે. તે કહે છે કે ડિયર અનીશ, તમે છેલ્લા 22 વર્ષથી અમારા માટે એક મજબૂત સ્તંભ રહ્યા છો. અમને આશા છે કે તમને આ ગિફ્ટ પસંદ આવશે. જ્યારે સીઆર અનીશે ગિફ્ટ પર કહ્યું કે આ તેના જીવનની સૌથી મોટી સરપ્રાઇઝ છે.


સીઆર અનીશ ત્યારથી શાઝી સાથે કામ કરી રહ્યા છે જ્યારે રિટેલ આઉટલેટ ફર્મ MyG શરૂ પણ થઇ નહોતી. હાલમાં તે MyG માં ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર છે. આ અગાઉ અનીશ શાઝીના બિઝનેસમાં માર્કેટિંગ, યુનિટ ડેવલરમેન્ટ સહિત અનેક જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.