Manipur Election 2022: ચૂંટણી પંચે મણિપુરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખોમાં ફેરફાર કર્યો છે. ચૂંટણી પંચના અગાઉની નિર્ણય અનુસાર મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરી અને બીજા તબક્કાનું મતદાન ત્રણ માર્ચના રોજ યોજાવાનું હતું પરંતુ હવે ચૂંટણી પંચના નવા નિર્ણય અનુસાર પ્રથમ તબક્કાનું મતદાન 28 ફેબ્રુઆરી અને બીજા તબક્કાનું મતદાન 5 માર્ચના રોજ કરાશે.
નોંધનીય છે કે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રા મંગળવારે બે દિવસીય મણિપુરના પ્રવાસ પર ગયા હતા અને ત્યાંની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી હતી. મંગળાવેર સુશીલ ચંદ્રાએ મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં કહ્યું હતું કે ચૂંટણી પંચ ચૂંટણીમાં સરકારી મશીનરી અને ધન બળના દુરુપયોગને ક્યારેય સહન કરશે નહીં.
તેમણે કહ્યું કે મતદાન અધિકારીઓના કોઇ પણ પ્રકારની દુર્ભાવનાપૂર્ણ ઇચ્છા અથવા પક્ષપાત કરવાની જાણ થતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે મતદારો ચૂંટણી પંચની 'CVIGIL એપ' પર આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનની જાણ કરી શકે છે. મણિપુરમાં 16.4 ટકા મતદાન કેન્દ્રોનું સંચાલન મહિલાઓ દ્ધારા કરવામાં આવશે.
ચંદ્રાએ કહ્યું હતું કે પાંચ વિધાનસભા ક્ષેત્રો-સિંગજામેઇ, થૌબલ, યાઇસકુલ, વાંગખેઇ અને ચૂડાચાંદપુરમાં પોતાના મતદાન મથકનું મેનેજમેન્ટ વિશેષ રીતે મહિલાઓ દ્ધારા કરવામાં આવશે. રાજ્યના 2968 મતદાન કેન્દ્રોમાંથી 2400માં વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરાશે અને બાકીના મુક્ત અને ન્યાયી ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે ઑફલાઇન વિડિયો રેકોર્ડિંગ હેઠળ આવશે.