Mallikarjun Kharge: સંસદનું શિયાળુ સત્ર સોમવાર, 1 December થી શરૂ થયું છે. સત્રના પ્રથમ દિવસે જ રાજ્યસભામાં હળવાશ સાથે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાના નવા સભાપતિ સીપી રાધાકૃષ્ણનનું સ્વાગત કરતી વખતે એક સૂચક ટકોર કરી હતી. તેમણે અધ્યક્ષને સલાહ આપતા કહ્યું હતું કે, "તમે માત્ર શાસક પક્ષ તરફ જ ન જુઓ, બીજી તરફ પણ ધ્યાન આપો, નહીંતર ખતરો છે." આ નિવેદન દ્વારા ખડગેએ નિષ્પક્ષતા જાળવવાની અપીલ કરવાની સાથે સાથે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા.

Continues below advertisement

"બંને પક્ષોને સમાન રીતે જોજો": ખડગેની સલાહ

રાજ્યસભાના નવનિયુક્ત અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણનનું સ્વાગત કરતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ રમૂજી અંદાજમાં ગંભીર વાત કહી હતી. તેમણે ચેરમેનને ઉદ્દેશીને કહ્યું, "મને આશા છે કે તમે સત્તાધારી અને વિપક્ષ બંનેને સમાન દ્રષ્ટિથી જોશો." તેમણે શાસક પક્ષ તરફ ઈશારો કરતા ઉમેર્યું કે, "જો તમે તમારી સીટ પરથી પેલી બાજુ (ભાજપ તરફ) વધુ જોશો તો ખતરો છે, અને જો તમે અમારી બાજુ નહીં જુઓ તો પણ ખતરો છે. તેથી, બંને તરફ સંતુલન જાળવી રાખવું જ હિતાવહ રહેશે." ખડગેએ રાધાકૃષ્ણનને તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Continues below advertisement

પૂર્વ ઉપરાષ્ટ્રપતિના ઉલ્લેખ પર વિવાદ

પોતાના સંબોધન દરમિયાન ખડગેએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના પૂર્વ ચેરમેન જગદીપ ધનખડનો ઉલ્લેખ કરતા એક ટિપ્પણી કરી, જેનાથી ગૃહમાં હોબાળો થયો હતો. ખડગેએ કહ્યું, "મને ઘણું દુઃખ છે કે અમને પૂર્વ અધ્યક્ષને વિદાય આપવાની તક મળી નહીં, પરંતુ અમે આશા રાખીએ છીએ કે અમારા પૂર્વ અધ્યક્ષ સારા સ્વાસ્થ્યમાં હશે." ખડગેના આ કટાક્ષપૂર્ણ નિવેદન પર ભાજપે તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વાંધો ઉઠાવતા કહ્યું હતું કે, "ખડગેજીએ જે વાતનો ઉલ્લેખ કર્યો છે, તે યોગ્ય રીતે રજૂ કરવામાં આવ્યો નથી."

PM મોદી અને ખડગે વચ્ચે શબ્દયુદ્ધ

સત્રની શરૂઆત પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિપક્ષ ચૂંટણીમાં મળેલી હારની હતાશા કાઢવા માટે સંસદનો ઉપયોગ કરી રહ્યો છે. તેમણે અપીલ કરી હતી કે આ સત્ર 'રાજકીય થિયેટર' ન બને પરંતુ રચનાત્મક ચર્ચાનું માધ્યમ બને.

આના જવાબમાં ખડગેએ પલટવાર કરતા કહ્યું હતું કે, શિયાળુ સત્રના પહેલા દિવસે જ વડાપ્રધાને જનતાના મુખ્ય મુદ્દાઓ પર વાત કરવાને બદલે ફરીથી "નાટક" નો આશરો લીધો છે. તેમણે ભાજપને સલાહ આપી કે તેઓ ધ્યાન ભટકાવવાની યુક્તિઓ બંધ કરે અને સંસદમાં વાસ્તવિક પ્રશ્નો પર ચર્ચા કરે. ઉલ્લેખનીય છે કે આ સત્ર 19 December સુધી ચાલવાનું છે.