નવી દિલ્હીઃ હવે 20 રૂપિયાની નોટની જેમ જ 20 રૂપિયાનો સિક્કો પણ તમારા ગજવામાં જોવા મળશે. નાણાં મંત્રાલયે આ વાતની જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં જ 20 રૂપિયાનો સિક્કો બજારમાં જોવા મળશે. આ સિક્કાને લઈને નાણાં મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું છે.


20 રૂપિયાના સિક્કાનો આકાર 27 એમએમ હશે. સિક્કાના આગળના ભાગ પર અશોક સ્તંભનો સિંહ હશે, તેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલ હશે. સિક્કામાં ડાબી બાજુ હિન્દીમાં ભારત અને જમણી બાજુ અંગ્રેજીમાં 'INDIA' શબ્દ લખેલ હશે.



સિક્કાના આગળના ભાગ પર આંતરરાષ્ટ્રીય અંકોમાં અંકિત મુલ્ય 20 હશે. સક્કા પર રૂપિયાનું પ્રતીક પણ બનેલ હશે. દેશ કૃષિ પ્રધાન છે એ દર્શાવવા માટે અનાજની પણ ડિઝાઈન તેના પર જોવા મળશે. સિક્કા પર હિન્દી અને અંગ્રેજીમાં વીસ રૂપિયા લખેલ હશે.

સિક્કાની ડાબી બાજુ સિક્કા બન્યાનું વર્ષ આંતરરાષ્ટ્રીય આંકડામાં લખેલ હશે. સિક્કો તાંબા, જસત અને નકલ ધાતુમાંથી બનાવવામાં આવશે. જોકે સિક્કાનું વજન કેટલું હશે તેની જાણકારી મળી નથી. આ પહેલા વર્ષ 2009માં કેન્દ્ર સરકારે 10 રૂપિયાનો સિક્કો જારી કર્યો હતો.