નવી દિલ્હી: જે પી નડ્ડાને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આજે મળેલી પાર્ટીની સંસદીય બોર્ડની મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ પુષ્પગુચ્છ આપી જે પી નડ્ડાનું સ્વાગત કર્યું હતું. રાજનાથ સિંહે કહ્યું, ભારતીય જનતા પાર્ટીએ અમિત શાહની આગેવાનીમાં ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી. પરંતુ પીએમ મોદી દ્વારા તેમને ગૃહમંત્રીની જવાબદારી આપવામાં આવ્યા બાદ અમિત શાહે તેમના સ્થાને અન્ય કોઈને પાર્ટીના પ્રમુખ બનાવવા માટે કહ્યું હતું. ભાજપની સંસદીય બોર્ડે જે પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.


જેપી નડ્ડાને અમિત શાહના વિશ્વાસુ માનવામાં આવે છે. જેપી નડ્ડા મોદી સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકયા છે. 1993માં જેપી નડ્ડાનો રાજકારણમાં પ્રવેશ થયો હતો. 1998થી 2003 સુધી તેઓ હિમાચલના સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકયા છે.

2012માં તેમને રાજયસભા મોકલવામાં આવ્યા હતા. જેપી નડ્ડાએ નીતિન ગડકરી અને અમિત શાહ સાથે 1991-94 સુધી કામ કર્યુ છે. 2014માં પણ નડ્ડાનું નામ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સામે આવ્યું હતું.

પટનામા 1960માં જન્મેલા જગત પ્રકાશ નડ્ડાએ બીએ અને એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. શરૂઆતથી જ તેઓ એબીવીપી સાથે જોડાયેલા હતા. તેઓ પ્રથમ વખત 1993માં હિમાચલમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ રાજ્ય અને કેંદ્રમાં મંત્રી પણ રહ્યા. તેઓ 1994થી 1998 સુધી વિધાનસભામાં પાર્ટીના નેતા પણ રહ્યા હતા.