નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો પ્રકોપ હળવો થયા બાદ વેપાર ધંધા રાબેતા મુજબ થયા છે. પરંતુ આ બધા વચ્ચે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર દેશમાં રોજગારીની તકો હોવાની ભલે વાતો કરતી હોય પણ વાસ્તવિકતા એ છે કે ઓક્ટોબર માસમાં દેશમાં 54 લાખથી વધુ લોકોએ નોકરી ગુમાવવી પડી છે.


CMIEના રિપોર્ટમાં શું થયો ખુલાસો


સેન્ટ્રલ ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)ના આંકડા મુજબ ઑક્ટોબરમાં ઔપચારિક અને અનૌપચારિક બંને ક્ષેત્રોમાં કામ કરતા ઓછામાં ઓછા ૫૪.૬ લાખ ભારતીયોએ નોકરી ગુમાવી છે, જે દર્શાવે છે કે એક બાજુ જોબ માર્કેટમાં નવી ભરતીઓ વધી રહી છે પરંતુ બીજી બાજુ શ્રમ બજારમાં લોકો નોકરીઓ ગુમાવી રહ્યા છે. ઓક્ટોબરમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, છૂટક વેપાર અને શિક્ષણ ક્ષેત્રે રોજગાર સર્જનની સંખ્યાએ એકંદરે નોકરીમાં આંશિક ઘટાડો થયો છે.


નવા માસિક રોજગાર ડેટા અનુસાર, ઓક્ટોબરમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યા ૪૦.૦૭ કરોડ હતી, જે સપ્ટેમ્બરમાં નોંધાયેલ ૪૦.૬૨ કરોડથી ઓછી છે. શ્રમ દળનો ભાગીદારી દર અને રોજગારી દર બંને સપ્ટેમ્બરની સરખામણીએ ઓક્ટોબરમાં ઘટયા હતા. નેશનલ લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ (એલએફપીઆર) સપ્ટેમ્બરમાં ૪૦.૬૬ ટકા હતો, તે ઓક્ટોબરમાં ઘટીને ૪૦.૪૧ ટકા થયો છે. આ રેટ ઓગસ્ટમાં ૪૦.૫૨ ટકા હતો.


શહેરો કરતાં ગામડાની હાલત ખરાબ


શહેરોમાં કામકાજ વધતા સપ્ટેમ્બરની તુલનાએ વધારે ઓક્ટોબરમાં ૭.૧૨ લાખ નવી રોજગારી સર્જાઇ છે. પરંતુ ગ્રામીણ ભારતમાં ઔપચારિક અને અનૌપચારિક નોકરીઓમાં ૬૦ લાખથી વધુ કામદારો ઘટયા છે. વિવિધ ક્ષેત્રો પ્રમાણ જોઇએ તો સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં ઔદ્યોગિક ક્ષેત્રમાંથી લગભગ ૭૦ લાખ લોકો બહાર થઇ ગયા છે, જેનું કારણ મોટાભાગે રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોજગારીમાં ઘટાડો છે. સેવા ક્ષેત્રે રોજગારી જળવાઇ રહી છે.  અર્થશાસ્ત્રીઓએ કહ્યુ કે, જોબ માર્કેટ મિશ્ર સંકેત આપી રહ્યા છે- જ્યારે શહેરી જોબ માર્કેટમાં સુધારો થઈ રહ્યો છે, ત્યારે ગ્રામીણ ક્ષેત્રો ગંભીર સંઘર્ષનો સામનો કરી રહ્યા છે.


પેટાચૂંટણીમાં હાર માટે મોંઘવારી જવાબદાર


હિમાચલ પ્રદેશની પેટા ચૂંટણીમાં હાર માટે મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર દોષારોપણ કરીને કહ્યું કે, વધતી મોંઘવારીના કારણે પ્રદેશમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. ઠાકુરના આ નિવેદનથી ભાજપમાં ખળભળાટ મચ્યો છે.