ભોપાલ: કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપ્યા બાદ મધ્ય પ્રદેશની રાજનીતિમાં ખળભળાટ મચી ગયો છે. સાંજે સિંધિયાનાં સમર્થક 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસ પાર્ટીથી રાજીનામાં આપી દીધા છે. આટલા બધાં રાજીનામા બાદ મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સત્તા જતી જોવા મળી રહી છે. સિંધિયા પરિવારનાં કારણે મધ્ય પ્રદેશમાં બીજીવાર કોંગ્રેસ સત્તાથી બહાર થતી જોવા મળી રહી છે.


જ્યોતિરાદિત્ય સિંધિયાનાં આ નિર્ણય પર તેમનો પરિવાર તેમની સાથે જોવા મળ્યો છે. સિંધિયાનાં દીકરા મહાઆર્યમાન સિંધિયાએ તેમનું સમર્થન કર્યું છે. મહાઆર્યમાન સિંધિયાએ કહ્યું હતું કે, ‘મારા પિતાએ પોતાના માટે એક સ્ટેન્ડ લીધું છે. આ માટે હું તેમના પર ગર્વ કરું છું. વિરાસતથી રાજીનામું આપવા માટે સાહસ જોઈએ. ઈતિહાસ સાક્ષી છે કે, અમારો પરિવાર કે અમે ક્યારેય સત્તાનાં ભૂખ્યા રહ્યાં નથી. અમે વચન પ્રમાણે મધ્ય પ્રદેશ અને દેશમાં ચોક્કસ પરિવર્તન લાવીશું.

જ્યોતિરાદિત્ય સિંધિયાનાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ સિંધિયા ખાનદાનમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. બીજેપી નેતા અને જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ફોઈ અને શિવરાજ સરકારમાં મંત્રી રહી ચુકેલા યશોધરા રાજેએ આને સાહસ ભર્યું પગલું ગણાવ્યું હતું.

શિવપુરીથી બીજેપી ધારાસભ્ય યશોધરા રાજેએ સિંધિયાનાં રાજીનામા પર ટ્વિટ કરતા લખ્યું હતું કે, રાજમાતાનાં લોહીએ લીધો રાષ્ટ્રહિતમાં નિર્ણય. સાથે ચાલીશું, નવો દેશ બનાવીશું, હવે અંતર દૂર થઈ ગયું. સિંધિયા દ્વારા કોંગ્રેસ છોડવાનાં સાહસિક પગલાનું હું આત્મિય સ્વાગત કરું છું.