નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 3 કલાકે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે. કોરોના વાયરસના પ્રકોપ બાદ પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથે પાંચમી બેઠક હશે. આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલવાનો મોકો મળશે. અત્યાર સુધીની સૌથી લાંબી બેઠક હશે તેમ પણ માનવામાં આવશે. બેઠકમાં સૌથી વધારે સંક્રમિતોવાળા રાજ્યો પર ફોક્સ હશે.

લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પૂરો થાય છે તેના થોડા દિવસો પહેલા જ આ બેઠક થઈ રહી હોવાથી અનેક દ્રષ્ટિએ મહત્વની રહેશે. બીજો તબક્કો 3 મે અને પ્રથમ તબક્કો 14 એપ્રિલે પૂરો થયો હતો.

સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે બે સરકારી સંસ્થાઓ અનુસાર આઈસીએમઆરે સંકેત આપ્યા છે કે જો 17 મે બાદ લોકડાઉન ખતમ કરી દેવામાં આવશે તો કોરોના સંક્રમણના મામલામાં ઝડપથી વધારો થઈ શકે છે. આ સંસ્થાઓનું કહેવું છે કે હાલ લોકડાઉન ખોલવું આત્મહત્યા કરવા બરાબર હશે.

આ પહેલા પીએમ મોદી 20 માર્ચ, 2 એપ્રિલ, 11 એપ્રિલ અને 27 એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ચુક્યા છે. કોરોના સંકટ પર મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની પાંચમી બેઠક હશે. આ બેઠકમાં લોકડાઉનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે, જે બાદ તેને વધારવાનો કે ખતમ કરવાનો ફેંસલો લેવામાં આવશે. અનેક રાજ્યો લોકડાઉન વધારવાના પક્ષમાં છે. બેઠકમાં મુખ્ય ભાર આર્થિક ગતિવિધિ વધારવા પર રહેશે. આ પહેલા શનિવાર કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ સતત બે બેઠક કરી હતી, જેમાં ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાને ખોલવા પર ચર્ચા થઈ હતી.

કોરોનાના વધતા સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન બે વખત લંબાવવામાં આવ્યું છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિમાં દેશમાં આમ લોકોમાં 17 મે બાદ પણ લોકડાઉન ચાલુ રહેશે કે નહીં તેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન રેલ મંત્રી પીયૂષ ગોયલે 12 મેથી નવી દિલ્હીથી દેશના મુખ્ય સ્ટેશનોને જોડતી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલ 15 વિશેષ ટ્રેન શરૂ કરાશે. જેનું બુકિંગ 11 મે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. ટ્રેન શરૂ કરવાનો મતલબ લોકડાઉનમાં રાહત આપવાની શરૂઆત માનવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 67,152 પર પહોંચી છે. 2206 લોકોના મોત થયા છે અને 20,917 લોકો સાજા થઈ ગયા છે. હાલ 44,029 એક્ટિવ કેસ છે.