નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. ભારતમાં 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જે એપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેમાં ટિકટોક, યૂસી બ્રાઉઝર, શેયર ચેટ સહિતની એપ સામેલ છે. પરંતુ યુવાનોમાં હાલ સૌથી લોકપ્રિય પબજી પર પ્રતિબંધ મુક્યો નથી. હાલ ઘણા લોકો કહી રહ્યા છે કે સરકારે ઘણી જાણીતી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે તો પબજી કેમ બાકાત રાખી?
પબજી એક જાણીતી એક્શન ગેમ છે. જેને દક્ષિણ કોરિયાની વીડિયો ગેમ કંપની બ્લૂહોલની સબ્સિડિયરી કંપની ટેસેંટ ગેમ્સએ બનાવી છે. આ ગેમ 2000માં આવેલી જાપાની ફિલ્મ બેટલ રોયલથી પ્રેરિત છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે, પબ-જી ગેમ એપ ચાઈનીઝ છે પણ વાસ્તવમાં આ ગેમ દક્ષિણ કોરીયાની છે તેથી મોદી સરકારે તેના પર પ્રતિબંધ નથી મૂક્યો.
ભારતમાં પબજી મોબાઈલ ગેમના કરોડો ચાહકો છે. લોકડાઉન દરમિયાન આ ગેમના યૂઝર્સમાં ઘણો વધારો થયા હતો. ગૂગલ પ્લે સ્ટોર પર આ ગેમ ટોપ-5માં રહી છે. એક રિપોર્ટ પ્રમાણે 2020ના પ્રથમ ત્રિમાસિકમાં પબજી મોબાઈલને 60 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી. મે મહિનામાં પબજી મોબાઈલ 226 મિલિયન યુએસ ડોલર (આશરે 1.7 હજાર કરોડ રૂપિયા) રેવન્યૂ સાથે વિશ્વની સૌથી વધારે નફો કરતી મોબાઇલ ગેમ બની હતી.
વિશ્વની સૌથી મોટી ગેમ કંપનીઓ પૈકીની એક ચીનની Tencent Games પબજીને ચીનમાં લોન્ચ કરવાની ઓફર કરી અને થોડા હિસ્સો પણ ખરીદ્યો. પરંતુ પબજી પર ચીનમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો. જે બાદ ચીનમાં તેને નવા નામથી લાવવામાં આવી. હાલ પ્લે સ્ટોર પર આ ગેમના પબ્લિશર ટેંસેંટ ગેમ્સ છે.