બારામતીઃ મહારાષ્ટ્રના બારામતીના એક ચાવાળાએ પ્રધાનમંત્રી મોદીને 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલીને દાઢી કરાવી લેવા કહ્યું છે. અનિલ મોરે નામના ચાવાળાએ કહ્યું કે, લોકડાઉનના કારણે લોકોનું કામ કાજ ઠપ્પ થઈ ગયું છે. પીએમ મોદીએ કંઈ વધારવું હોય તો દેશના લોકો માટે રોજગારીની તકો વધારવી જોઈએ.


મરાઠી દૈનિક લોકમતના રિપોર્ટનો ઉલ્લેખ કરી ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે, ઈંદારપુર રોડ સ્થિત પ્રાઇવેટ હોસ્પિટલ સામે ચાની દુકાન ધરાવતાં અનિલ મોરે કહે છે કે પીએમ  મોદીએ દાઢી વધારી છે. જો તેમણે કંઈ વધારવું હોય તો દેશના લોકો માટે રોજગારીની તકો વધારવી જોઈએ. રસીકરણ વેગીલું બનાવવું જોઈએ અને વર્તમાન તબીબી સુવિધાને વધારવાનો પ્રયાસ કરવો જોઈએ.


આ ઉપરાંત તેણે કહ્યું, પ્રધાનમંત્રી પર દેશમાં સર્વોચ્ચ છે. મારા મનમાં પ્રધાનમંત્રી પ્રત્યે અત્યંત સન્માન તથા આદર છે. હું મારી બચતમાંથી તેમને 100 રૂપિયા મોકલી રહ્યો છું, જેથી કરીને તેઓ દાઢી કરાવી લે. તેઓ સર્વોચ્ચ નેતા છે અને તેમને ઠેસ પહોંચાડવાનો મારો ઈરાદો નથી. પરંતુ જે રીતે મહામારીના કારણે ગરીબોની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે તેના પ્રત્યે ધ્યાન આકર્ષિત કરવાની એક રીત  છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 80,834 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,32,062 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3303 લોકોના મોત થયા છે.દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 31માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 31 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 37 કરોડ 82 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 20 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.