સુપ્રીમ કોર્ટમાં આજે કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસની સુનાવણી થઇ હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન વાતાવરણ ખૂબ જ ગંભીર હતું. પરંતુ પશ્ચિમ બંગાળ સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ સોલિસિટર જનરલ તુષાર મહેતાની દલીલ પર હસી પડ્યા હતા. જેના પર સોલિસિટર જનરલે કપિલ સિબ્બલની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે ઓછામાં કમ સે કમ હસો તો નહીં. આજે કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર, રાજ્ય પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન પર ઘણા સવાલો ઉઠાવ્યા હતા.






કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ કેસ ડાયરીને ટાંકીને કહી રહ્યા હતા કે પોલીસને ક્યારે માહિતી આપવામાં આવી હતી. આ બાબતે કેટલી બેદરકારી દાખવવામાં આવી હતી. આ જોઈને કપિલ સિબ્બલ હસવા લાગ્યા હતા. કપિલ સિબ્બલને જોઈને સોલિસિટર જનરલ ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું, "કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કમ સે કમ હસશો તો નહીં."


સુપ્રીમ કોર્ટે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના સંબંધમાં અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં કોલકાતા પોલીસના વિલંબને "અત્યંત પરેશાન કરનાર વાત" ગણાવી હતી.  જસ્ટિસ પારદીવાલાએ પૂછ્યું હતું કે જ્યારે તમે પોસ્ટમોર્ટમ કરવાનું શરૂ કરો છો તો તેનો અર્થ એ છે કે તે અકુદરતી મૃત્યુનો કેસ છે. રાત્રે 11:20 વાગ્યે અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો, 9મી ઓગસ્ટે જીડી એન્ટ્રી અને 11:45 વાગ્યે FIR નોંધવામાં આવી, શું આ સાચું છે?


તેમણે કહ્યું હતું કે "તે ખૂબ જ આઘાતજનક છે કે અકુદરતી મૃત્યુનો કેસ નોંધવામાં આવે તે પહેલા જ પોસ્ટ મોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું. જજે સિબ્બલને કહ્યું હતું, "તમે જવાબદારીપૂર્વક નિવેદન આપો અને ઉતાવળમાં નહીં. અકુદરતી મૃત્યુનો કેસ ક્યારે નોંધવામાં આવ્યો?" સિબ્બલે આના પર કહ્યું - 1:46 વાગ્યે. પછી ન્યાયાધીશે પૂછ્યું કે તમે આ વિગત ક્યાંથી ટાંકી રહ્યા છો? કપિલ સિબ્બલ જવાબ આપવા માટે સમય લઈ રહ્યા હતા, તેથી કોર્ટે કહ્યું કે આગામી સમયથી જવાબદાર પોલીસ અધિકારીઓને સાથે રાખવામાં આવે.


નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલા સ્ટેટસ રિપોર્ટમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સીબીઆઈનું કહેવું છે કે સમગ્ર મામલે હોસ્પિટલ પ્રશાસનનું વલણ શંકાસ્પદ લાગે છે. પીડિતાના પરિવારને ઘટનાની જાણકારી ખૂબ જ મોડેથી આપવામાં આવી હતી. પરિવારને પહેલા પીડિતા બીમાર હોવાની અને પછી આત્મહત્યા અંગે જાણ કરવામાં આવી હતી. સીબીઆઈએ એવો પણ દાવો કર્યો હતો કે ક્રાઈમ સીન બદલવામાં આવ્યો હતો. ગુના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરાયો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.