નવી દિલ્હીઃ દિલ્હીમાં માત્ર દિલ્હીના જ કોરોના વાયરસ સંક્રમિત લોકોના ઇલાજ કરવાને લઇને રાજકારણ ગરમ થઇ ગયુ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પોતાના આ નિર્ણય બાદ દરેકના નિશાને આવી ગયા છે. વિપક્ષી દળોની સાથે સાથે હવે સામાજિક કાર્યકર્તા અને સામાન્ય લોકો કેજરીવાલના આ નિર્ણય સામે સવાલો ઉઠાવી રહ્યાં છે. હવે એકસમયના તેમના જ આમ આદમી પાર્ટીના સાથી કુમાર વિશ્વાસે પણ આ નિર્ણયને લઇને કેજરીવાલ પર કટાક્ષો કર્યા છે.

કેજરીવાલ સરકારે બે દિવસ પહેલા જ નિર્ણય કર્યો હતો કે રાજધાની દિલ્હીની હૉસ્પીટલોમાં માત્ર દિલ્હીના જ કોરોના દર્દીઓનો ઇલાજ થશે. કેજરીવાલે કહ્યું હતુ કે કેન્દ્ર સરકારની હૉસ્પીટલોમાં જ બહાર વાળા ઇલાજ કરાવી શકશે. કેજરીવાલનો આ નિર્ણય લોકોને ગમ્યો નહીં.



કુમાર વિશ્વાસ પોતાના ફેસબુક પેજ પર પ્રસિદ્ધ ટીવી સીરિયલ રામાયણની એક ક્લિપ શેર કરી કેજરીવાલ સરકાર અને તેમના સમર્થકોને સંદેશ આપ્યો. આ ક્લિપ લક્ષ્મણના ઘાયલ થયા બાદ તેના ઇલાજ માટે લંકામાંથી લાવવામાં આવેલા વૈદ્ય સાથે જોડાયેલી છે, જેમાં તેને વૈદ્ય ધર્મનુ પાલન કરવા વિશે બતાવવામાં આવ્યુ છે.



કુમાર વિશ્વાસે આનો હવાલો આપતા લખ્યું- અલ્પસંખ્યક વૉટ બેન્કને ટોપી અને ઇફ્તાર સાથે અને બહુસંખ્યક વૉટ બેન્કને હનુમાન ભક્તનુ ચૂંટણી નાટક કરીને સાધતા રહેલા તે લોકો જે પોતાની ખાંસીનો ઇલાજ દિલ્હી વાળાઓના ટેક્સના પૈસાથી બેગ્લુરુમાં કરાવી રહ્યાં છે, તેને અને તેમના પાલિત ચિંટુઓને આ વીડિયો જરૂર જોવો જોઇએ, જે બતાવે છે કે ડૉક્ટર (વૈદ્ય) તથા હૉસ્પીટલ (આરોગ્યશાળા) તો પોતાના શત્રુમાં પણ અંતર નથી રાખતા. તમે અને અમે તો પણ તો એકજ દેશના નાગરિક છીએ.