નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખના કારગીલમાં લગભગ પાંચ મહિના બાદ આજે ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, રાજ્યમાં હવે સ્થિતિ પુરી નિયંત્રણમાં છે. કેન્દ્રની મોદી સરકારે આર્ટિકલ 370 ખત્મ કર્યા બાદ કાયદો વ્યવસ્થા બગડવાની આશંકાને પગલે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુક્યો હતો.

અધિકારીએ કહ્યું કે, લોકો ઘણા સમયથી ઇન્ટરનેટ સેવાઓ ફરીથી શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા હવે ફરીથી આ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે. ઇન્ટરનેટ બંધ હોવાના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

નોંધનીય છે કે આર્ટિકલ 370 ખત્મ થયા બાદથી જમ્મુ કાશ્મીર અને લદાખને પાંચ ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા હતા અને 31ઓક્ટોબર 2019થી આ બંન્ને જગ્યાએ સતાવાર રીતે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા હતા. સાથે બંન્ને જગ્યાએ નવા ઉપરાજ્યપાલ પણ બનાવી દેવાયા હતા.