Lakhimpur Kheri Case: ઉત્તર પ્રદેશમાં લખીમપુર ખેરી કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રા લખીમપુર જેલમાંથી બહાર આવી ગયો છે. ગયા અઠવાડિયે તેને અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે જામીન આપ્યા હતા. લગભગ ચાર મહિના પહેલા આશિષની ધરપકડ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ઉર્ફે ટેનીના પુત્ર આશિષ મિશ્રા પર લખીમપુર ખેરી જિલ્લાના તિકોનિયા ગામમાં ગયા વર્ષે 3 ઓક્ટોબરે વિરોધ કરી રહેલા ખેડૂતોને જીપથી કચડી નાખવાનો આરોપ છે.
આશિષ મિશ્રાના વકીલ અવધેશ સિંહ તેને ઘરે લાવવા માટે જેલ પહોંચ્યા હતા. તેણે કહ્યું કે મોનુ તેની કારમાં ઘરે જશે. જામીનની શરતો વિશે માહિતી આપતાં તેમણે કહ્યું કે, સાક્ષીઓ પર દબાણ નહીં કરવા અને પુરાવા સાથે ચેડાં નહીં કરવાની શરતે જામીન આપવામાં આવ્યા છે. વકીલે જણાવ્યું કે આશિષ મિશ્રા જેલમાંથી તિકુનિયામાં આવેલા તેના ઘરે નહીં જાય.
આ મામલાની તપાસ કરી રહેલી SITને તેની તપાસમાં જાણવા મળ્યું કે ખેડૂતોને વાહન વડે કચડી નાખવાની સમગ્ર ઘટના એક સુનિયોજિત કાવતરું હતું. આ પછી સીટે 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં આશિષ મિશ્રાને હત્યાનો આરોપી બનાવવામાં આવ્યો છે. સીટ દ્વારા આ કેસમાં કુલ 16 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. સીટે આરોપીઓ પર IPC કલમ 307, 326, 302, 34,120B, 147, 148,149, 3/25/30 લગાવી છે.
અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે 10 ફેબ્રુઆરીએ આશિષ મિશ્રાની જામીન અરજી સ્વીકારતા તેમને જામીન આપવાનો આદેશ આપ્યો હતો. ગત રોજ કોર્ટે જામીનના હુકમમાં સુધારો કર્યો હતો. નોંધનીય છે કે કોર્ટના આદેશમાં કેટલીક ધારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો જેના કારણે આશીષને મુક્તિ અટકી ગઇ હતી.