લખનઉ: ઉત્તર પ્રદેશ વહીવટીતંત્રે માત્ર પાંચ નેતાઓને યુપીમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. પરંતુ નવજોત સિંહ સિદ્ધુ કાફલા સાથે આગળ વધવાની માંગ પર અડગ છે. તેમની માંગ છે કે કાં તો તેમના આખા કાફલાને લખીમપુર ખીરી જવા દેવામાં આવે, અથવા તેમની ધરપકડ કરવામાં આવે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરપ્રદેશ વહીવટી તંત્રે માત્ર પાંચ નેતાઓને યુપીમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. 


પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા સામે ગુરુવારે કોંગ્રેસના નેતાઓ સાથે કૂચ શરૂ કરી હતી. બાદમાં યુપી પોલીસે તેમને સહારનપુરમાં અટકાવી દીધા હતાં. લખીમપુર જતાં પહેલા તેઓએ ચેતવણી આપી હતી કે, જો કાલ સુધીમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો તેઓ ભૂખ હડતાળ પર બેસશે. મહત્વનું છે કે મોહાલીના એરપોર્ટથી નવજોત સિંહ સિદ્ધુનો કાફલો ગુરુવારે લખીમપુર ખીરી જવા રવાના થયો હતો. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પણ ત્યાં હાજર હતા. સિદ્ધુ સાથે પંજાબના કેબિનેટ મંત્રી અને કેટલાક ધારાસભ્યો પણ આ કાફલામાં હતાં. આ દરમિયાન સિદ્ધુએ કહ્યું છે કે ગમે તે થાય, તેઓ પોતાના ફરજના માર્ગ પર વળગી રહેશે. અગાઉ મંગળવારે સિદ્ધુએ ચેતવણી પણ આપી હતી કે જો ખેડૂતોની હત્યાના મામલે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્રની ધરપકડ કરવામાં નહીં આવે તો પંજાબ કોંગ્રેસના નેતાઓ ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જશે.


બુધવારે પાર્ટી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાની અટકાયત કરવા બદલ ઉત્તર પ્રદેશ પોલીસ પર હુમલો કરતા સિદ્ધુએ પોલીસ પર બંધારણની ભાવનાનો ભંગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. સિદ્ધુએ બુધવારે ટ્વિટ કર્યું હતું, '54 કલાક થઈ ગયા છે. પ્રિયંકા ગાંધીજીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા. પ્રિયંકા ગાંધીજીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ન હતા. 24 કલાકથી વધુ સમય સુધી ગેરકાયદે અટકાયત મૂળભૂત અધિકારોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. ભાજપ અને ઉત્તર પ્રદેશ પોલીસ, તમે બંધારણની ભાવનાનું ઉલ્લંઘન કરી રહ્યા છો, અમારા મૂળભૂત માનવ અધિકારોને ઠેસ પહોંચાડી રહ્યા છો.


નોંધનીય છે કે ગયા રવિવારે લખીમપુરખીરી જિલ્લાના તિકોનિયા વિસ્તારમાં કેંદ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પૈતૃક ગામમાં આયોજીત એક કાર્યક્રમમાં સામેલ થવા જઈ રહેલા  નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને ખેડૂતો દ્વારા કાળા ઝંડા બતાવવાના મામલામાં ભડકેલી હિંસામં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા.  પ્રિયંકા ગાંધી સોમવારે વહેલી સવારે મૃતક ખેડૂતોના સગાને મળવા પક્ષના વરિષ્ઠ નેતા દીપેન્દ્ર હુડા અને કોંગ્રેસના ઉત્તર પ્રદેશના અધ્યક્ષ અજય કુમાર લલ્લુ સહિત કેટલાક નેતાઓ સાથે લખીમપુર ખીરી જઈ રહ્યા હતા, પરંતુ રસ્તામાં સીતાપુર જિલ્લામાં તેમની અટકાયત કરવામાં આવી હતી.