નવી દિલ્લીઃ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવની સગાઈ આજે ગુરુવારે દિલ્હીની એક હોટલમાં થશે. પ્રાપ્ત અહેવાલો પ્રમાણે દિલ્હીના એક ફાર્મહાઉસમાં બંનેનાં લગ્ન પણ ગુરૂવારે સાંજે જ થશે.
યાદવ પરિવારે તેજસ્વીનાં લગ્નની વિગતો ગુપ્ત રાખી છે પણ પ્રાપ્ત માહિતી પ્રમાણે તેજસ્વી યાદવની પત્ની હરિયાણાની છે. હરિયાણાના રેવાડીની યુવતી ક્રિશ્ચિયન છે અને તેનું નામ શ્રીગલ હોવાની વિગતો બહાર આવી છે. આ છોકરી પોતાના પરિવાર સાથે દિલ્હીની ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીમાં રહે છે. તેજસ્વી યાદવ અને શ્રીગલ એકબીજાને બાળપણથી ઓળખે છે.
તેજસ્વી યાદવ દિલ્હીની ડીપીએસ સ્કૂલમાં ભણેલો છે. તેજસ્વી યાદવ અને શ્રીગલ બંને સ્કૂલમાં સાથે હતાં તેથી એકબીજાને બાળપણથી ઓળખે છે. યુવતીનો પરિવાર પણ દિલ્હીમાં તેજસ્વીના ઘર પાસે રહેતો હતો. તેના કારણે બંને વચ્ચે મિત્રતા હતી. આ મિત્રતા પછીથી પ્રેમમાં પરિણમી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બપોરે સગાઈ બાદ સાંજે ફાર્મહાઉસ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ દિલ્હીના સૈનિક ફાર્મ્સ સ્થિત તેજસ્વીની બહેન મીસા ભારતીના ફાર્મહાઉસમાં લગ્નની વિધી થશે. આ માટે લાલુ પ્રસાદ યાદવ પરિવારના તમામ સભ્યો દિલ્હી પહોંચી ગયા છે. યાદવ પરિવાર અને પાર્ટી દ્વારા આ લગ્નની વિગતો જાહેર કરવામાં આવી નથી. કોરોનાને કારણે સગાઈ સમારોહમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના એક પણ ટોચના નેતા, ધારાસભ્ય કે સાંસદને સગાઈ માટે કે લગ્ન આમંત્રણ આપવામાં આવ્યું નથી. લગ્ન પછી પટણામાં રીસેપ્શન રખાશે તેમાં સૌને નિમંત્ર અપાશે.
બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવનાં લગ્ન માટે બુધવારે સવારથી ફાર્મહાઉસમાં ડેકોરેશનની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ લગ્ન પણ ગુરૂવારે જ થશે પણ આ કાર્યક્રમને અત્યંત ગુપ્ત રાખવામાં આવી રહ્યો છે. આ શુભ સમારોહમાં ખૂબ જ મર્યાદિત સંખ્યામાં મહેમાનો હાજરી આપવાના છે.