Railway Job Scam: નોકરીના બદલામાં જમીન લેવાના મામલામાં સીબીઆઈ આજે (7 માર્ચ) ભૂતપૂર્વ રેલ્વે મંત્રી અને આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ કરશે. લાલુ હાલ દિલ્હીમાં છે. હાલમાં જ તેમની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઇ છે. આ પહેલા સોમવારે સીબીઆઈ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને લાલુ યાદવની પત્ની રાબડી દેવીના ઘરે પહોંચી હતી. સીબીઆઈએ રાબડી દેવીની લગભગ 4 કલાક પૂછપરછ કરી હતી.






અધિકારીઓએ જણાવ્યું કે થોડા દિવસો પહેલા સીબીઆઈએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને સમન્સ પાઠવ્યું હતું અને તેમણે પોતે જ સોમવાર, 6 માર્ચના રોજ તેમના નિવાસસ્થાને પૂછપરછની તારીખ નક્કી કરી હતી.


બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી બિહાર વિધાન પરિષદના સભ્ય પણ છે. સોમવારે લગભગ 4 કલાક પછી જ્યારે તે વિધાન પરિષદમાં જઈ રહ્યા હતા ત્યારે તેમને સીબીઆઇની પૂછપરછ અંગે સવાલ કરવામાં આવતા તેઓ ગુસ્સે થઇ ગયા હતા. રાબડી દેવીને પૂછવામાં આવ્યું કે સીબીઆઈ તમારા ઘરે આવી છે. આના પર તેમણે કહ્યું કે તો પછી શું કરવું. સીબીઆઈ અમારા ઘરે આવતી રહે છે


સીબીઆઈના આવવાને લઇને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવે કહ્યું કે મહાગઠબંધનની સરકાર બન્યા પછી જ મેં કહ્યું હતું કે આ પ્રક્રિયા ચાલુ રહેશે. ભાજપ સાથે રહેશો તો રાજા હરિશ્ચંદ્ર બની જશો. પણ અમને વાંધો નથી. બિહારની જનતા બધું જોઈ રહી છે.


શું છે મામલો?


આરોપ છે કે જ્યારે લાલુ યાદવ 2004-2009 દરમિયાન રેલ્વે મંત્રી હતા ત્યારે લાલુ પરિવારને રેલ્વેમાં ગ્રુપ ડીની નોકરીના બદલામાં ભેટ તરીકે અથવા ખૂબ ઓછી કિંમતે જમીન મળી હતી. લાલુની સાથે-સાથે પરિવારના અનેક સભ્યોના નામ નોકરીના બદલામાં જમીન કૌભાંડના આરોપીઓમાં સામેલ છે. આરોપ મુજબ લાલુ યાદવ રેલ્વેમાં કામચલાઉ નિમણૂંક કરતા હતા. જમીનનો સોદો પૂર્ણ થયા બાદ તેને નિયમિત કરવામાં આવતી હતી.


રેલ્વે નોકરી કૌભાંડ કેસમાં સીબીઆઈએ ઓક્ટોબરમાં દિલ્હીની કોર્ટમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટે લાલુ યાદવ, રાબડી દેવી, પુત્રી મીસા ભારતી અને અન્ય આરોપીઓને 15 માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો છે.