નવી દિલ્હીઃ આતંકી સંગઠન લશ્કર-એ-તોઇબાએ એકવાર ફરી કાશ્મીરમાં ડર ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. લશ્કર-એ-તોઇબાએ પોસ્ટર જાહેર કરીને કાશ્મીરના લોકોને કહ્યુ છે કે તે સરકારને સહયોગ ના કરે. જો સહયોગ કરશે તો તે ગદ્દાર ગણાશે. આતંકી સંગઠને પોસ્ટર જાહેર કરી ધમકી આપી હતી કે કાશ્મીરના લોકો ઘરમાંથી બહાર ના નીકળે, કાર લઇને ના નીકળે. એનાથી મીડિયા મારફતે ખોટો સંદેશ જાય છે. જો કાશ્મીરી એવું કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
લશ્કર-એ-તોઇબાની ચિઠ્ઠીમાં કાશ્મીરના યુવાઓને ભડકાવવામાં આવી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કાશ્મીરનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગયો જેને વિવાદીત ગણવામાં આવ્યો. લશ્કરએ સરકારી કર્મચારીઓ, બિઝનેસમેનો, ટ્રાન્સપોર્ટર, લારીવાળાઓને પોતાના સહયોગમાં ઉતરવાની અપીલ કરી છે.
લશ્કરે કહ્યું કે, લોકો રસ્તા પર નીકળી પ્રદર્શન કરે. સરકારી કર્મચારી અમારો સહયોગ કરે. શાંતિપૂર્ણ પ્રદર્શન કરે. જે વ્યક્તિ કાર, સ્કૂટર, બાઇક લઇને નીકળશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવશે અને એ પાછળ તેમની જવાબદારી રહેશે.