ઓમિક્રોન બાદ સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ XEને લઈને ડરનો માહોલ છે. હવે આ નવા વેરિએન્ટ XEની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરાના ગોત્રીના પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેને તપાસતા તેમના રિપોર્ટમાં નવો વેરિયન્ટ મળી આવ્યો છે. તો હવે સૌના મનમાં સવાલ એ છે કે આ નવા વેરિએન્ટના લક્ષણો કેવા છે અને તે કેટલો ખતરનાક છે. તો આવો જાણીએ આ નવા વેરિએન્ટના લક્ષણો.
જો આપણે તેના લક્ષણોની વાત કરીએ તો કોરોનાનો આ XE વેરિઅન્ટ અત્યાર સુધીનો સૌથી ચેપી વેરિઅન્ટ હોઈ શકે છે. WHOના મતે, ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ BA.2ની તુલનામાં XE વેરિઅન્ટ કરતાં 10 ટકા વધુ ચેપી લાગી રહ્યો છે. ઓમિક્રોનના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરાનો સમાવેશ થાય છે. આ ુપરાંત યુકેની હેલ્થ એજન્સી 3 વેરિઅન્ટ XD, XE અને XFનો અભ્યાસ કરી રહી છે. XD એ BA.1 ઓમિક્રોન વેરિઅન્ટનો હાઈબ્રિડ છે અને XFએ ડેલ્ટા અને BA.1નો ‘Recombinant’ વેરિઅન્ટ છે. આ નવો વેરિએન્ટ ઓમિક્રોનનું જ સ્વરૂપ છે, જે ઓમિક્રોન બીએ.1 અને બીએ.2નું મિશ્રણ છે. ખરેખર વાઈરલ સતત મ્યૂટેટ થતો રહે છે.
જો કે, એવું માનવામાં આવે છે કે તે ઓમિક્રોનના બે સબવેરિયન્ટ્સથી બનેલું છે, તેથી તેના લક્ષણો પણ ઓમિક્રોન જેવા જ હોઈ શકે છે. તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળું અને વહેતું નાક એ XE વેરિઅન્ટના લક્ષણો હોઈ શકે છે. આ ઉપરાંત, XE વેરિઅન્ટના કેટલાક અન્ય લક્ષણોમાં થાક, ચક્કર, ધબકારા વધવા,સુંઘવાની શક્તિ અને સ્વાદમાં ઉણપ આવી શકે છે. જો કોઈને આ લક્ષણો દેખાય, તો તેણે તરત જ પરીક્ષણ કરાવવું જોઈએ.
તો બીજી તરફ ગાંધીનગરમાં 33 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા છે. પોઝિટિવ વિદ્યાર્થીઓને અલગ હોસ્ટેલમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એક હજાર જેટલા વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરે છે. કોરોનાના કેસો સામે આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓના ટેસ્ટ કરવામા આવશે. હાલમાં 200 જેટલા વિદ્યાર્થીના ટેસ્ટ કરવામાં આવ્યા છે, તેમાંથી 33 પોઝિટિવ આવ્યા છે. જિનોમ સિકવન્સિંગ માટે જીબીઆરસી ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર લેબમાં મોકલાયા છે.