નવી દિલ્હીઃ જાણીતા ચિત્રકાર સૈયદ હૈદર રઝાનું શનિવારે 94 વર્ષની ઉંમરે દિલ્હીમાં નિધન થયું છે. ફ્રાન્સ બેઝ્ડ ઈન્ડિયન ચિત્રકાર રઝા છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા.
રઝાનો જનમ મધ્ય પ્રદેશના મંડલા જિલ્લામાં 22 ફેબ્રુઆરી, 1922ના રોજ થયો હતો. તેઓએ ફ્રાન્સિસ ન્યૂટન સોઝા અને કે.એચ. આરા સાથે મળીને 1947માં બોમ્બે પ્રોગ્રેસિવ આર્ટિસ્ટ્સ ગ્રુપ બનાવ્યું હતું. 50ના દાયકામાં તે ફ્રાન્સ જતા રહ્યા હતા. થોડા વર્ષ પહેલા જ ભારત પાછા ફર્યા હતા.
રઝાને 1981માં પદ્મશ્રી અને લલિત કલા એકેડેમીની રત્નસભ્યપદ જેવા સન્માન મળ્યા હતા. 2007માં તેમને પદ્મભૂષણ અને 2013માં ભારતનું બીજું સૌથી મોટું નાગરિક સન્માન પદ્મવિભૂષણ મળ્યું હતું. તેમના મોટા ભાગના ચિત્રો ઓઈલ તથા એક્રેલિકમાં બનેલા છે. તેમાં રંગોનો ઉપયોગ વધારે થયો છે.
જૂન 2010માં તેમની એક પેઇન્ટિંગ 16.42 કરોડ રૂપિયામાં વેચાઈ હતી. ક્રિસ્ટીએ તેમની પેઈન્ટિંગ 'સૌરાષ્ટ્ર'ને ખરીદી હતી. ત્યારબાદ તે ભારતના સૌથી મોંઘા મોર્ડન આર્ટિસ્ટમાંથી એક બની ગયા છે. ઉલ્લેખનીય છે કે, પ્રથમ સોલો પ્રદર્શન 1946માં બોમ્બે આર્ટ સોસાયટીમાં થયું હતું. તેમાં તેમને સિલ્વર મેડલ મળ્યો હતો.