કેન્દ્રીય ગૃહ સચિવે આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને લખેલા પત્રમાં સ્પષ્ટ જણાવ્યું કે, પ્રવાસી મજૂર જો રેલવે ટ્રેક કે સડક પર પગપાળા ચાલતા મળી આવે તો તેમને તાત્કાલિક નજીકના શેલ્ટર હોમમાં લઈ જવામાં આવે. જ્યાં તેમને રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવે ઉપરાંત ડોક્ટરી તપાસ પણ કરાવે. જ્યાં સુધી તેમને બસ કે રેલવે દ્વારા પોતાના રાજ્ય સુધી પહોંચાડવાની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી રાખવામાં આવે.
આ ઉપરાંત રાજ્યોના મુખ્ય સચિવોને પોતાના રાજ્યોમાંથી વધારે શ્રમિક ટ્રેનો દોડાવવામાં રેલવેને સહયોગ આપવા કહ્યું છે. અન્ય એક પત્રમાં કેન્દ્રીય ગૃહ સચિવે મેડિકલ સેવા સાથે સંકળાયેલા તમામ લોકોને આવવા-જવાની કોઈ મુશ્કેલી ન પડે તે જોવા જણાવ્યું છે.
આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, સ્થાનીક સ્તરે જે ડોક્ટરોના નર્સિંગ હોમ કે ક્લિનિક હોય અને જ્યાં લોકો તેમની દવા લેવા આવતા હોય તેમને ખોલવામાં કોઈ તકલીફ ન થવી જોઈએ. કારણકે જ્યારે લોકોને સ્થાનિક લેવલે રૂટિન ચેકઅપની સુવિધા નથી મળતી ત્યારે તેઓ સરકારી હોસ્પિટલમાં જાય છે. આ રીતે સરકારી હોસ્પિટલોમાંથી રૂટિન બીમારીના મામલા ઘટાડી શકાશે.