ગ્રેટર નોઇડાઃ પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના બાલાકોટમાં ભારતે કરેલી એર સ્ટ્રાઇક પર પુરાવા માંગનારા પર પીએમ નરેન્દ્ર મોદીએ આજે જોરદાર પ્રહાર કર્યા હતા. પીએમ મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, 2016માં પ્રથમ વખત અમારી સરકારે આતંકના આકાઓને તેમની ભાષામાં જવાબ આપ્યો. ઉરી બાદ અમે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે આ લોકો પુરાવા માંગતા હતા. હવે પુલવામા હુમલો થયો. ભારતના વીરોએ જે કામ કર્યું તે કામ દાયકાઓ સુધી થયું નહોતું.


આપાણા વીરોએ આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા છે. આતંકીઓને ભારત પાસેથી આવા જવાબની અપેક્ષા જ નહોતી.  પાકિસ્તાને જમીન પર ટેંક તહેનાત કરી હતી. અમે ઉપરથી ચાલ્યા ગયા. આ બધું કરીને પણ અમે ચૂપ હતા પરંતુ આ ઘટના એટલી મોટી હતી કે રાતના સાડા ત્રણ કલાકે પકિસ્તાનની ઉંઘ ઘડી ગઈ. પાકિસ્તાન એવું ગભરાઈ ગયું કે તેણે સવારે પાંચ વાગ્યે ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું.


પીએમે કહ્યું કે, દેશના દુશ્મનોમાં ભારત પ્રત્યે જે સોચ હતી તેનું કારણ 2014 પહેલાની સરકારોનું વણલ ગતું. 26/11ની ઘટનાને ભૂલાવી ન શકાય. તે સમયે આતંક સામે કાર્યવાહી થવી જોઈતી હતી, પરંતુ સરકારે કંઈ ન કર્યું. તે સમયે સેના પણ આક્રમક મૂડમાં હતી પરંતુ સરકારે કોઈ પગલા ન લીધા. આ કારણે મુંબઈ હુમલા બાદ પણ દેશમાં અનેક વખત ધડાકા થયા. પહેલાની સરકારે નીતિઓ ન બદલી માત્ર ગૃહમંત્રી બદલ્યા. પહેલાની સરકારે આતંને તેની ભાષામાં જ સમજાવ્યા હોત તો આતંક આટલો વકર્યો ન હોત. અમારી કાર્યવાહી બાદ આતંકના આકાઓને સમજાઈ ગયું છે કે આ પહેલાવાળું ભારત નથી.


વડાપ્રધાન મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, આજે દેશની અંદર પોતાને મોટા નેતા માનતાં લોકો જે ભાષા બોલી રહ્યા છે, તેનાથી દેશના દુશ્મનોને તાકાત મળી રહી છે. આ લોકો દેશના જવાનોના પરાક્રમ પર સવાલ ઉઠાવી રહ્યા છે અને તેના પર પડોશી દેશમાં તાળીઓ પડે છે. એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન તો પરેશાન હતું પરંતુ આ લોકો માત્ર એ વાતની ચર્ચા કરતા હતા કે ભારતનું બાલાકોટ છે કે પાકિસ્તાનનું બાલાકોટ ? આવા લોકોની વાતો પર ભરોસો ન કરતાં.