નવી દિલ્હીઃ પંજાબમાં દારૂના ભાવમાં 30થી 40 ટકાનો ઘટાડો થઈ શકે છે. આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની રાજ્ય કેબિનેટે બુધવારે તેની પ્રથમ આબકારી નીતિને મંજૂરી આપી હતી. પંજાબ સરકારે નવી એક્સાઈઝ પોલિસીમાં દારૂ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેના કારણે રાજ્યમાં અંગ્રેજી શરાબ અને બિયર સસ્તું થવાની શક્યતા છે. બુધવારે પંજાબ કેબિનેટની બેઠકમાં અંગ્રેજી શરાબ અને બિયરનો ક્વોટા નાબૂદ કરી દેવામાં આવ્યો છે, એટલે કે હવે કંપનીઓ ઈચ્છે તેટલો દારૂ બનાવી શકશે. જોકે, દેશી દારૂનો ક્વોટા 6.03 કરોડ પ્રૂફ લિટર જેટલો જ રહેશે.


મુખ્ય પ્રધાન ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે દારૂના વ્યવસાયમાંથી રૂ. 9,647.85 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જે ગયા વર્ષ કરતાં 40 ટકા વધુ છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં અહીં મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં વર્ષ 2022-23 માટેની નવી આબકારી નીતિને મંજૂરી આપવામાં આવી હતી. આ નવી આબકારી નીતિ 1 જુલાઈ, 2022 થી 31 માર્ચ, 2023 સુધીના નવ મહિના માટે લાગુ રહેશે.


પંજાબ સરકારે અંગ્રેજી શરાબ પરની એક્સાઈઝ ડ્યૂટી 350 ટકાથી ઘટાડીને 150 ટકા કરી છે, જ્યારે દેશી દારૂ પર 250થી ઘટાડીને એક ટકા કરી છે. આ સાથે પંજાબમાં દારૂની કિંમત હવે પડોશી રાજ્યોની બરાબર થઈ જશે.


પંજાબની નવી આબકારી નીતિમાં ઇન્ડિયન મેડ ફોરેન લિકર (IMFL)નો ક્વોટા નાબૂદ કરવામાં આવ્યો છે. તેનાથી સ્પર્ધા વધશે અને આ દારૂ સસ્તો થશે. ગયા વર્ષની શરૂઆતમાં આ ક્વોટા 4.80 કરોડ બોટલનો હતો. તેવી જ રીતે, બીયરનો કોઈ ક્વોટા રહેશે નહીં. ગત વર્ષે બિયરની 3.28 કરોડ બોટલનું વેચાણ થયું હતું. તે જ સમયે, દેશી દારૂનો ક્વોટા 6.30 કરોડ પ્રૂફ લિટર રહેશે. સરકારનો દાવો છે કે દારૂના ઓછા દરને કારણે પડોશી રાજ્યોમાંથી કોઈ દાણચોરી નહીં થાય.