Controversial Remaks Against Prophet Muhammad: મોહમ્મદ પયગંબર વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ દિલ્હી પોલીસે FIR નોંધી છે. આ સાથે અન્ય આઠ લોકો સામે પણ સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ અને ખોટી માહિતી આપવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી પોલીસના IFSO યુનિટે આ લોકો વિરુદ્ધ અલગ-અલગ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે.






દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા નોંધાયેલી બીજી એફઆઈઆરમાં ભાજપના નવીન જિંદાલ, પત્રકાર સબા નકવીનું નામ પણ સામેલ છે. જેમાં શાદાબ ચૌહાણ, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન, ગુલઝાર અંસારી, અનિલ કુમાર મીના અને પૂજા શકુનનું નામ છે. દિલ્હી પોલીસ હવે આ લોકોને પૂછપરછ માટે નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે.


દુશ્મનાવટ ફેલાવવા અને ઉશ્કેરણી કરવા અને પરસ્પર ભાઈચારામાં તિરાડ ઊભી કરવામાં સામેલ હોવાના આરોપ લગાવી દિલ્હી પોલીસે તમામ સામે કેસ નોંધ્યો હતો. નોંધનીય છે કે, અગાઉ ભાજપે પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી પર કાર્યવાહી કરી હતી. ભાજપે નૂપુર શર્માને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દીધા, જ્યારે નવીન જિંદાલને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા.


જો કે, મંગળવારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે નુપુર શર્માને જાનથી મારી નાખવાની ધમકીઓ મળ્યા બાદ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે અને તેણીની વિવાદાસ્પદ ટિપ્પણી પછી ફરિયાદ નોંધાવી છે. પોલીસ અધિકારીએ કહ્યું- “પયગંબર મોહમ્મદ પર અપમાનજનક ટિપ્પણી બાદ જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ નુપુર શર્મા અને તેમના પરિવારને સુરક્ષા આપવામાં આવી હતી.


નુપુર શર્માએ 27 મેના રોજ ટ્વીટ કરીને કહ્યું હતું કે- “દિલ્હી પોલીસ કમિશનર… મને, મારી માતા, બહેન અને પિતાને જાનથી મારી નાખવાની, બળાત્કાર કરવાની અને ગળું કાપવાની ધમકી આપવામાં આવી રહી છે. મેં આ અંગે દિલ્હી પોલીસને પણ જાણ કરી છે. મારી સાથે અથવા મારા પરિવારના સભ્ય સાથે કંઈપણ અપ્રિય થઈ શકે છે."


નુપુર શર્માને સસ્પેન્ડ કરતા ભાજપે કહ્યું- તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને તે એવી વિચારધારાઓનો સખત વિરોધ કરે છે જે કોઈપણ ધર્મ અથવા સમુદાયનું અપમાન કરે છે. ઉલ્લેખનીય છે કે નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન બાદ ખાડી દેશોએ આકરી પ્રતિક્રિયાઓ આપી છે.