નવી દિલ્હીઃ કોરોના વાયરસથી બચવા માટે દેશભરમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. તેમ છતાં લોકો માનવા તૈયાર નથી. ઉત્તરપ્રદેશના રામપુરમાં એક ગામમાં બર્થ-ડે પાર્ટીની ઉજવણીમાં 100 લોકો એકઠા થયા હતા. પાડોશીની સૂચના બાદ પોલીસ પહોંચી હતી અને બર્થ-ડે પાર્ટી બંધ કરાવી હતી. પાર્ટીનું આયોજન કરનારા બીડીસી મેમ્બરને પોલીસે અટકાયત કરી હતી. તેમના પર કેસ નોંધવાની પોલીસે કામગીરી શરૂ કરી હતી.
21 દિવસના લોકડાઉન જાહેર થયા બાદ વહીવટીતંત્રની સાથે લોકો પણ ખૂબ એલર્ટ થઇ ગયા છે. રામપુર જિલ્લાધિકારી આન્જનેય કુમાર સિંહે કહ્યું કે, કેમરી પોલીસ સ્ટેશનના પટ્ટી ગામમાં બીડીસી મેમ્બરના ઘર પર દીકરાના જન્મદિવસની પાર્ટી મનાવવામાં આવી રહી હતી. આ પાર્ટીમાં 100થી વધુ લોકો એકઠા થયા હતા. સૂચના પર પોલીસ ત્યાં પહોંચી હતી અને પાર્ટી બંધ કરાવી લોકોને ઘરે મોકલ્યા હતા. સાથે બીડીસી મેમ્બરની અટકાયત કરી તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે.