લૉકડાઉનથી દેશની હવા થઈ શુદ્ધ, ઉત્તર ભારતમાં વાયુ પ્રદુષણના સ્તરમાં થયો મોટો ઘટાડો, NASAએ જાહેર કરી તસવીર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Apr 2020 07:27 PM (IST)
અમેરિકી સ્પેસ એજન્સી NASAના અર્થ ઓબ્ઝર્વેટરીએ છેલ્લા ચાર વર્ષની તસવીરો જાહેર કરી છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે દેશભરમાં પ્રદૂષણનું સ્તર કેવી રીતે નીચે આવી ગયું છે.
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે પર્યાવરણમાં મોટો સુધારો જોવા મળી રહ્યો છે. વર્ષો બાદ દેશમાં પ્રદૂષણનું સ્તર પહેલાની તુલનામાં ખૂબજ નીચે આવી ગયું છે અને હવાની ગુણવત્તામાં ઘણો સુધારો આવ્યો છે. નદીઓ સ્વસ્થ થઈ રહી છે. હવે ભારતની આબોહવાને લઈ નાસાએ તસવીરો પણ જાહેર કરી છે. અમેરિકી સ્પેસ એજન્સી NASAના અર્થ ઓબ્ઝર્વેટરીએ છેલ્લા ચાર વર્ષની તસવીરો જાહેર કરી છે, જેમાં દર્શાવવામાં આવ્યું છે કે દેશભરમાં પ્રદૂષણનું સ્તર કેવી રીતે નીચે આવી ગયું છે. NASAએ આ તસવીરોને મોડરેટ રિઝોલ્યૂશન ઇમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર (MODIS) ટેરા સેટેલાઇટમાંથી લીધી છે. NASAએ જણાવ્યું છે કે ભારતમાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 25 માર્ચથી ભારતમાં લોકડાઉન ચાલુ છે. અહીં રહેતા લગભગ 130 કરોડ લોકો તેમના ઘરોમાં છે. ગંગા નદી કિનારાની આસપાસના વિસ્તારોમાં વાતાવરણ એકદમ સ્વચ્છ થઈ ગયું છે. નાસા અનુસાર, ઉત્તર ભારતમાં પ્રદુષણ 20 વર્ષમાં સૌથી નીચા સ્તર પર આવ્યું છે. દેશમાં લોકડાઉનને કારણે કારખાનાઓ, કાર, બસો, ટ્રક, ટ્રેનો, વિમાનોની ફ્લાઇટ્સ બંધ છે. આ પ્રવૃત્તિઓ બંધ થયા બાદ નાસાના સેટેલાઇટ સેન્સર ઈન્ડિયા દ્વારા લેવામાં આવેલી તસવીર ચોંકાવનારી છે. નાસામાં યુનિવર્સિટીઝ સ્પેસ રિસર્ચ એસોસિએશન(યૂએસઆરએ)ના વૈજ્ઞાનિક પવન ગુપ્તા અનુસાર, લોકડાઉનના કારણે વાયુમંડળમાં મોટાપ્રમાણમાં બદલાવ જોવા મળ્યો છે. આ પહેલા ઉત્તર ભારતના ઉપરી ક્ષેત્રમાં વાયુ પ્રદુષણમા ક્યારેય આટલો ઘટાડો જોવા મળ્યો નથી. પંજાબના ઉત્તરી રાજ્યના લોકોએ દાયકાઓ બાદ પ્રથમ વખત હિમાલય જોયો. હિમાલયના દર્શન જલંધરથી થવા લાગ્યા છે.