કોલકાતાઃ દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા સાડા સાત લાખ સુધી પહોંચવા આવી છે. આ દરમિયાન કોરોનાના વધતા મામલાને જોઈ પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન અને કોરોનાના વધારે કેસ છે તેવા બફર ઝોનમાં ગુરુવારથી કડક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

કોલકાતા શહેરમાં 33 કન્ટેનમેન્ટ ઝોન છે. જ્યારે સાઉથ 24 પરગનામાં 155 અને નોર્થ 24 પરગનામાં 219 કન્ટેનમેન્ટ ઝોન છે. આ ઉપરાંત હાવડા, હુગલી, નાદિયા, પૂર્વ મદિનાપુર, પશ્ચિમ મદિનાપુર, માલદા, જલપાઈગુડી, દાર્જિલિંગ, કાલિમપોંગ, ઉત્તર દિનાજપુર, દક્ષિણ દિનાજપુર, બાંકુરા, કૂચ બિહારમાં વિવિધ કન્ટેન્ટમેન્ટ એરિયા મળીને 1000થી વધારે વિસ્તાર થાય છે.

અધિકારીના જણાવ્યા મુજબ, કન્ટેનમેન્ટ અને તેની આસપાસના બફર ઝોન ગુરુવારે સાંજે 5 વાગ્યાથી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાશે. સ્થાનિક તંત્ર આ વિસ્તારના રહેવાસીઓ માટે જરૂરી સામાનનો પૂરવઠો ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરશે. કન્ટેનમેન્ટ અને બફર ઝોનમાં તમામ ખાનગી અને સરકારી કાર્યાલયો બંધ રહેશે.

એડિશનલ મુખ્ય સચિવ(ગૃહ) અલાપન બંદોપાધ્યાય તરફથી જાહેર કરવામાં આવેલા નિર્દેશમાં કહેવામાં આવ્યું, કન્ટેનમેન્ટ ઝોનમાં કડક નિયંત્રણો મુકવામાં આવશે.  તમામ સરકારી તથા ખાનગી કાર્યાલય, તમામ બિનજરૂરી ગતિવિધિ, સમારોહ, પરિવહન, તમામ માર્કેટ, ઔદ્યોગિક અને વ્યાપારિક ગતિવિધિઓ બંધ રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, પશ્ચિમ બંગાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 23,837 પર પહોંચી છે. જ્યારે 804 લોકોના મોત થયા છે. રાજ્યમાં 15,790 લોકો સંક્રમણ મુક્ત થઈ ગયા છે અને 7,243 એક્ટિવ કેસ છે.