નવી દિલ્હી: કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. હવે તેને ધ્યાનમાં લઈને ઘણા રાજ્યો લોકડાઉન વધારી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ લોકડાઉન 31 જુલાઈ સુધી વધારવામાં આવ્યું છે. આ વાતની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કરી હતી.

તેમણે કહ્યું રાજ્યમાં સવારે પાંચ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી લોકડાઉનમાં છૂટ આપવામાં આવશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે અમે એક જૂલાઈથી મેટ્રો સેવાઓ ફરી શરૂ કરવાને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ. બેઠકની ક્ષમતા પ્રમાણે મુસાફરો સાથે મેટ્રો સેવાઓ શરૂ કરવાને લઈને વિચાર કરવામાં આવી રહ્યો છે.



આ સાથે જ પશ્ચિમ બંગાળ સરકારે 31 જુલાઈ સુધી વધારવામાં આવેલા કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન રાતના કર્ફ્યૂમાં ઢીલ આપી છે. રાત્રે 10 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે.

આસામમાં પણ લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. આસામના સ્વાસ્થ્ય મંત્રી હેમંત બિસ્વા સરમાએ આજે તેની જાહેરાત કરી કોરોના વાયરસના પ્રસારની તપાસ કરવા માટે ગુવાહાટીમાં વર્તમાન લોકડાઉન આગામી બે સપ્તાહ માટે સોમવારથી વધારવામાં આવ્યું છે. તેમણે કહ્યું રાજ્યના કામરૂપ જિલ્લામાં 28 જુનની રાતથી સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ લોકડાઉન 14 દિવસ સુધી ચાલશે. દવાની દુકાનો લોકડાઉન દરમિયાન ખુલ્લી રહેશે.