નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારી વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ભારતમાં લોકડાઉનને 3 મે સુધી વધારવામાં આવ્યા હોવાના પીએમ મોદીના નિર્ણયનું સ્વાગત કર્યું છે. WHOના રિજિયોનલ ડાયરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે કહ્યું,  વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કોવિડ-19ને અટકાવવા ભારતે સમય પર ભરેલા પગલાની પ્રશંસા કરે છે. પરંતુ તેના પરિણામો અંગે હાલ વાત કરવી ઉતાવળભર્યુ કહેવાશે. પરંતુ કોરોના વાયરસના દર્દીઓની ઓળખ, ઓઈસોલેશન તથા તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાની સાથે પ્રભાવી રીતે સોશિયલ ડિસ્ટેંસિંગ લાગુ કરવાથી છ સપ્તાહના દેશવ્યાપી લોકડાઉનમાં ઘણી મદદ મળશે.


WHOએ કહ્યું કે, અનેક પડકારો હોવા છતાં ભારતે મહામારી સામે લડવા પ્રત્યેની સંકલ્પબદ્ધતાનું પ્રદર્શન કર્યું છે. આ કપરા સમયમાં જેટલી જવાબદારી તંત્ર તથા મેડિકલ કર્મીઓની છે તેટલી જ સમાજની પણ છે. આ સમય તમામ માટે પૂરી ક્ષમતાથી યોગદાન આપવા તથા સાથે મળીને વાયરસને હરાવવાનો છે.

દેશભરમાં લાગુ કરવામાં આવેલા 21 દિવસના લોકડાઉનના અંતિમ દિવસે આજે વડાપ્રધાન મોદીએ  સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું.  આજના સંબોધનમાં વડાપ્રધાને દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું છે કે, આપણે હવે પહેલાં કરતાં પણ વધારે સતર્કતા રાખવાની છે. જે જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઘટશે અથવા સંપૂર્ણ બંધ થશે ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે. પરંતુ જો ત્યાં ફરી કોઈ કોરોનાનો કેસ સામે આવશે તો ત્યાંથી શરતો દ્વારા આપવામાં આવેલી છૂટ પણ પરત લેવામાં આવશે.