દેહરાદૂનઃ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકો લોકડાઉનનું યોગ્ય રીતે પાલન કરે તે માટે મોટા પ્રમાણમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા લોકોને પોલીસ સજા પણ કરી રહી છે. આવો જ એક મામલો ઉત્તરાખંડમાં સામે આવ્યો છે. જેમાં નદી કિનારે ગ્રુપમાં બેસેલા વિદેશી પ્રવાસીઓને પોલીસે અનોખી સજા આપી હતી.

લોકડાઉનનો ભંગ કરનારા વિદેશી પ્રવાસીઓ પાસે પોલીસે સજા તરીકે 500 વખત એક જ લાઈન  લખાવી હતી. પોલીસે પ્રવાસીઓને મેં લોકડાઉનનો ભંગ કર્યો છે, તેથી મને ક્ષમા કરો તેમ લખાવ્યું હતું.

તપોવન પોલીસ ચેક પોસ્ટના ઈન્ચાર્જ વિનોદ કુમારે જણાવ્યું, પોલીસને જાણકારી મળી કે કેટલાક વિદેશીઓ લોકડાઉન તોડીને ગંગા નદીના કિનારે બેઠા છે. આ તમામ લોકો ગંગાના કિનારે ચાલીને નીમ બીચથી અહીંયા પહોંચ્યા હતા. જે બાદ પોલીસે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

પોલીસે જણાવ્યું કે, આ પ્રવાસીઓ ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા, મેક્સિકો અને અન્ય યૂરોપિયન દેશોથી આવ્યા હતા. શનિવારે બપોરે આ ઘટના બની હતી.