કોરોના મહામારીના કારણે દેશના કેટલાક રાજ્યોના જિલ્લાઓમાં આજથી એક અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન નાંખવામાં આવ્યું છે. જેમાં માત્ર જરૂરી વસ્તુઓને જ મંજૂરી આપવામાં આવશે.
તિરુવનંતપુરમઃ કેરળના તિરુવનંતપુરમમાં કોરોના વાયરસના વધારે મામલા સામે આવી રહ્યા છે. તિરુવનંતપુરમમાં આજે સવારે 6 વાગ્યથી ટ્રિપલ લૉકડાઉન લાગુ થઈ ગયું છે, જે એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. ટ્રિપલ લૉકડાઉન દરમિયાન વધારે કડડ પ્રતિબંધો હશે, ફક્ત જરૂરી સેવાઓ માટે જ મંજૂરી આપવામાં આવશે. કેરળના પ્રવાસન મંત્રીના કહેવા મુજબ, લોકોએ બહાર નીકળવાનું સાહસ ન કરવું જોઈએ. વાયરસને ફેલાતો અટકાવવા આપણે કડક નિયંત્રણોની જરૂર છે.
ઈટાનગરઃ અરૂણાચલ પ્રદેશના ઈટાનગર સ્થિત કેપિટલ કોમ્પલેક્સમાં કોરોના વાયરસના વધી રહેલા મામલાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે 6 જુલાઈથી એક સપ્તાહ સુધી લોકડાઉન જાહેર કર્યુ છે. મુખ્ય સચિવ નરેશ કુમારે જણાવ્યું કે, 6 જુલાઈના રોડ સવારે પાંચ વાગ્યાથી 12 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધી ઈટાનગર કેપિટલ કોમ્પલેક્સમાં લોકડાઉન લાગુ રહેશે. છેલ્લા એક સપ્તાહમાં વધેલા કોરોના સંક્રમણના મામલાને ધ્યાનમાં લઈ આ નિર્ણય લીધો છે.
લોકડાઉનનું પાલન નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 425 લોકોના મોત થયા છે અને 24,248 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,97,143 પર પહોંચી છે અને 19,693 લોકોના મોત થયા છે. 4,24,433 લોકો સાજા થઈ ગયા છે અને 2,53,287 એક્ટિવ કેસ છે.