નવી દિલ્હીઃ કેરળના તિરુવનંતપુરમમાં કોરોના વાયરસના વધારે મામલા સામે આવી રહ્યા છે. આ સ્થિતિમાં તિરુવનંતપુરમમાં ટ્રિપલ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, તિરુવનંતપુરમમાં આજે સવારે 6 વાગ્યથી ટ્રિપલ લૉકડાઉન લાગુ થઈ ગયું છે, જે એક સપ્તાહ સુધી ચાલુ રહેશે. ટ્રિપલ લૉકડાઉન દરમિયાન પોલીસકર્મી વાહનોનું કડક ચેકિંગ કરી રહ્યા છે.


કેરળના પર્યટન મંત્રી કે, સુરેદ્રને કહ્યું હતું કે, કોવિડ-19ના વધતા મામલા સાથે તિરુવનંતપુરમ જિલ્લો સક્રિય જ્વાળામુખી પર બેઠો છે અને સંક્રમણનો સામૂહિક પ્રસાર નહીં થાય તે વાતની કોઈ ગેરંટી નથી. મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જણાવવામાં આવ્યું કે, આ ટ્રિપલ લૉકડાઉન છે. જેમાં વધારે કડકાઈ દાખવવામાં આવશે.



તિરુવનંતપુરમમાં કોરોનાવાયરસના 284 મામલા સામે આવી ચુક્યા છે, જેમાંથી 107 એક્ટિવ કેસ છે અને 172 લોકો સાજા થઈ ગયા છે. જ્યારે 5 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, કેરળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 5,429 પર પહોંચી છે. 25 લોકોના મોત થયા છે અને હાલ 2230 એક્ટિવ કેસ છે. 3,174 લોકો સાજા થઈ ગયા છે.