મુંબઇઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સ્પષ્ટ કહ્યું હતું કે, રાજ્યમાં 30 જૂન બાદ પણ લોકડાઉન હટાવવામાં આવશે નહીં. રાજ્યના લોકોને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ કે ,30 જૂન બાદ લોકડાઉન હટાવવામાં આવશે નહીં. સ્થિતિ અગાઉ જેવી રહેશે નહીં. આપણે છૂટ આપતા સમયે ખૂબ સાવધાનીઓ રાખવી પડશે અને તેને ધીરે ધીરે છૂટ આપવી પડશે કારણ કે ખતરો હજુ ખત્મ થયો નથી.  મહારાષ્ટ્રમાં શનિવારે એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ 5318 નવા કેસ નોંધાયા હતા અને સૌથી વધુ 167 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર  સુધીમાં કુલ કેસની સંખ્યા 1 ,59,133 પહોંચી ગયો છે. જ્યારે દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઇમાં અત્યાર સુધીમાં 73,747 કેસ નોંધાયા છે.




ઠાકરેએ કહ્યું કે, આપણે બેદરકાર રહી શકીએ નહીં. જો આપણે આ પ્રકારનું વર્તન કરીશું તો કોરોના વાયરસ આપણી રાહ જોતો રહેશે. જો કોઇ ખૂબ જરૂરી કામ ના હોય તો મહેરબાની કરીને ઘરની બહાર ના નીકળો. સ્થાનિક લોકોએ કામ શરૂ કરી દીધું છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ગતિવિધિઓ શરૂ થઇ ગઇ છે.



ઠાકરેએ કહ્યું કે, ખેડૂતો સતત કામ કરી રહ્યા છે. મરાઠવાડા, વિદર્ભથી ખરાબ બીજોને લઇને અનેક ફરિયાદો આવી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે અને આ સંબંધમાં કડક કાર્યવાહી કરાશે. રાજ્યમાં સ્થાનિક નિગમની ચૂંટણીઓ અને કોરોના મહામારી દરમિયાન આદર્શ આચાર સંહિતાના કારણે ખેડૂતોની લોન માફ કરવાની પ્રક્રિયામાં મોડું થયું છે. હવે અમે બાકીના ખેડૂતોની લોન માફ કરવાનો નિર્ણય લીધો છે.