અમિત શાહે કહ્યુ કે, જૂનના બીજા સપ્તાહમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ નિવેદન આપ્યું હતું કે, 31 જૂલાઇ સુધી દિલ્હીમાં 5.5 લાખ કોરોનાના કેસ હશે. જેનાથી દિલ્હીના લોકોમાં ખૂબ ડર ફેલાયો હતો. દિલ્હી સરકારે કહ્યુ કે, દિલ્હીની બહારના લોકોને દિલ્હીમાં સારવાર નહી મળે. આ નિર્ણયને કેન્દ્ર સરકારે બદલ્યો. શાહે કહ્યુ કે, આજે દિલ્હીમાં કમ્યૂનિટી ટ્રાન્સમિશનની કોઇ સ્થિતિ નથી. ચિંતા કરવાની કોઇ આવશ્યકતા નથી.
અમિત શાહે કહ્યું કે, મે 14 તારીખે કોર્ડિનેશનની બેઠક કરી હતી. દિલ્હી સરકાર, એમસીડી અને ભારત સરકાર વચ્ચે સમન્વય માટે આ બેઠક જરૂરી હતી. ભારત સરકાર તેમાં મદદ કરી શકે તેમ હતી. અનેક નિષ્ણાંતોની મદદ લઇ શકાય છે. એટલા માટે કોરોના વિરુદ્ધ વ્યાપક અભિયાન માટે અમે બેઠક કરી હતી. આજે હું કહી શકું છું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રીનું જે નિવેદન હતું એવી સ્થિતિ હવે દિલ્હીમાં નહી આવે.
ગૃહમંત્રીએ કહ્યુ કે, દિલ્હીમાં 30 જૂન સુધી કન્ટેઇનમેન્ટ ઝોનના તમામ ઘરનું સર્વેક્ષણ થઇ જશે. અમે ટેસ્ટિંગમાં વધારો કર્યો છે. બાદમાં દિલ્હીમાં ઘર-ઘર સર્વેક્ષણ કરવામાં આવશે. અમે દિલ્હી સરકારને તરત જ 500 ઓક્સિજન સિલેન્ડર, 440 વેન્ટિલેટર આપ્યા છે. એમ્બ્યુલન્સ માટે દિલ્હી સરકારને કહેવામાં આવ્યું છે કે પ્રાઇવેટ કંપનીઓ સાથે મળીને તમે તમારી જરૂરિયાતો પુરી કરી શકો છો. આવનારા સમયમાં વધુ મદદ દિલ્હી સરકારને આપવામાં આવશે.
શાહે કહ્યું કે, મે ત્રણ વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી છે. દિલ્હીમાં હાલમાં કમ્યૂનિટી સંક્રમણની સ્થિતિ આવી નથી. હવે જ્યારે દિલ્હીમાં ટેસ્ટ વધી રહ્યા છે તો સરેરાશ અમે કહી શકીએ છીએ કે દિલ્હીમાં આ સ્થિતિ નથી.