નવી દિલ્હીઃ હાલ દેશ કોરોના સામે લડી રહ્યો છે ત્યારે દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં તબલીગી જમાતના મરકઝમાં 1થી 15 માર્ચ સુધી 5 હજારથી વધુ લોકો એક ધાર્મિક આયોજનમાં સામેલ થયા હતા. તેમાં ઈન્ડોનેશિયા, મલેશિયા અને થાઈલેન્ડથી આવેલા લોકો પણ સામેલ હતા. જેમાં અનેક વિદેશી નાગરિકો સહિત લગભગ 1800 લોકોમાં COVID-19ના લક્ષણો જોવા મળ્યા છે. જયારે તેમનો તપાસ રિપોર્ટ આવવાનો બાકી છે.


એક રિપોર્ટ પ્રમાણે મરકઝમાં સામેલ થયેલા મોટા ભાગના વિદેશીઓ પૈકી ધર્મગુરુઓ છે. જેમની સામે વીઝા નિયમનો ભંગ કરવાને લઈ કેસ ચલાવાશે. આ તમામ લોકો ટૂરિસ્ટ વિઝા પર આવ્યા હતા. ધર્મનો પ્રચાર કરવો વિઝા નિયમનં ઉલ્લંઘન છે. તેમની સામે કાર્યવાહી કરીને ભારત આવવા પર પ્રતિબંધ પણ લગાવવામાં આવી શકે છે.

પોલીસે આ સમગ્ર વિસ્તારને સીલ કરીને હાજર રહેલા તમામ લોકોને તપાસ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે. આ દરમિયાન એવા પણ અહેવાલ આવ્યા કે તબલિખી જમાતના વડા સામે કેજરીવાલ સરકારે FIRનો આદેશ આપ્યો છે. જોકે દિલ્હી પોલીસે તેનાથી ઈનકાર કર્યો છે.

મરકત ઈમારત, નિઝામુદ્દીનના લોકોને હૉસ્પિટલો અને ક્વોરન્ટિન સેન્ટર્સમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ઓછામાં ઓછી 34 ટ્રિપ્સમાં લગભગ 1034 લોકોને અત્યાર સુધી શિફ્ટ કરવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશ સરકારે પુષ્ટિ કરી છે કે આંધ્ર પ્રદેશના ઓછામાં ઓછા 369 લોકો નિઝામુદ્દીન કાર્યક્રમમાં સામેલ થયા હતા.

તબલીગી જમાત સાથે જોડાયેલા ઉલેમાઓનો દાવો છે કે કોઈ સંગઠન કે અલગ વર્ગ નથી. તેમનું કામ માત્ર એટલું છે કે દરેક શહેર અને ગામે ફરીને લોકોને ઈસ્લામ પર સાચા માર્ગે ચાલવાની જાણકારી આપવી. સારા અને ખોટાના ફરકને સમજવાનો છે. વેપાર કે નોકરીમાંથી કરવામાં આવેલી કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે જાણકારી પણ જમાત આપે છે. જમાત જે શહેર કે ગામમાં પણ જાય છે ત્યાં તેઓ હંમેશા મસ્જિદોમાં જ રોકાય છે.