Navneet Rana Arrest Matter:  નવનીત રાણા કેસમાં લોકસભાની વિશેષાધિકાર સમિતિએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ મનુકુમાર શ્રીવાસ્તવને સમન્સ પાઠવ્યા છે. કમિટીએ તેમને 15 જૂને હાજર થવા માટે કહ્યું છે. વિશેષાધિકાર સમિતિએ મહારાષ્ટ્રના DGP રજનીશ સેઠ, મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે અને ભાયખલા જેલના અધિક્ષક યશવંત ભાનુદાસને પણ સમન્સ પાઠવ્યા છે.


તાજેતરમાં નવનીત રાણા (Navneet Rana) એ આ તમામ લોકોના નામ વિશેષાધિકાર કમિટીની સામે લીધા હતા. તેણે દરેક પર ગેરવર્તન કરવાનો અને તેમને ફસાવવાનો આરોપ લગાવ્યો હતો. આ બેઠક દરમિયાન નવનીત રાણાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને સાંસદ સંજય રાઉતનું નામ પણ લીધું હતું.


જણાવી દઈએ કે મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા (Ravi Rana)ની મુંબઈ પોલીસે 23 એપ્રિલે ધરપકડ કરી હતી. અગાઉ, રાણા દંપતીએ જાહેરાત કરી હતી કે તેઓ મુંબઈમાં મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. તેમની ધરપકડ બાદ, 4 મેના રોજ મુંબઈની વિશેષ અદાલત દ્વારા દંપતીને જામીન આપવામાં આવ્યા હતા.


ધરપકડના મામલામાં નવનીત રાણાએ 23 મેના રોજ કમિટી સમક્ષ પોતાની વાત મૂકી હતી. આ પછી તેણે કહ્યું હતું કે, "મેં કમિટી સમક્ષ મારો પક્ષ રજૂ કર્યો અને તેમની સાથે તમામ વિગતો શેર કરી... કેવી રીતે મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને મારી સામે જાતિવાદી ટિપ્પણી કરવામાં આવી. મેં મહારાષ્ટ્રના મુખ્યમંત્રીથી લઈને મુંબઈ પોલીસ કમિશનર સુધીના દરેકના નામ લીધા છે.”



શિવસેના ઔરંગઝેબની સેના બની ગઈ : નવનીત રાણા 
મહારાષ્ટ્રના રાજકારણમાં અને  ખાસ કરીને હનુમાન ચાલીસા વિવાદમાં અને રાજદ્રોહના કેસમાં ચર્ચાસ્પદ રહેલા મહારાષ્ટ્રની અમરાવતી લોકસભાના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ ગત 15 મેં ના રોજ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શિવસેના પર પ્રહાર કર્યા હતા.  નવનીત રાણાએ  ઉદ્ધવ ઠાકરે પર પ્રહાર કહ્યું હતું કે શિવસેના ઔરંગઝેબની સેના બની ગઈ છે.