Lok Sabha Election 2024: ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી દીધી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 543 લોકસભા બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે અને છેલ્લું મતદાન 1 જૂનના રોજ થશે.છેલ્લી વખત લોકસભાની ચૂંટણી 2019માં થઈ હતી. જ્યાં ભાજપે 303 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી હતી.


આજે મતદાર આઈડી દરેક માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે, કારણ કે મતદાન સિવાય તેનો ઉપયોગ અન્ય સ્થળોએ ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવા તરીકે પણ થાય છે. ચૂંટણીમાં નકલી મતદાન અટકાવવા માટે વોટર આઈડી કાર્ડ વર્ષ 1993માં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેનો મુદ્દો સૌપ્રથમ 1957માં સૂચવવામાં આવ્યો હતો. ત્યારબાદ ઘણી મુશ્કેલીઓ અને મોટા ખર્ચાઓને કારણે મતદારો સુધી પહોંચવામાં ત્રણ દાયકા જેટલો સમય લાગ્યો હતો.


ચૂંટણી કાર્ડનો વિચાર કેવી રીતે આવ્યો?


વાસ્તવમાં ચૂંટણી પંચે 1962ની લોકસભા ચૂંટણી પર પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે 1957ની સામાન્ય ચૂંટણીઓ પછી ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારોમાં તમામ મતદારોને ઓળખ કાર્ડ આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું. એવું માનવામાં આવતું હતું કે આનાથી ચૂંટણી સમયે મતદારોની ઓળખ કરવામાં મદદ મળશે. બાદમાં આના પર પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો હતો.


પાયલોટ પ્રોજેક્ટ નિષ્ફળ ગયો


કલકત્તા (દક્ષિણ પશ્ચિમ) લોકસભાની પેટાચૂંટણીમાં મતદારોને ફોટો ઓળખ પત્ર આપવાનો પાયલોટ પ્રોજેક્ટ વર્ષ 1960માં ચલાવવામાં આવ્યો હતો. જો કે, આ પ્રોજેક્ટ ભવિષ્યમાં સફળ થયો ન હતો. મોટી સંખ્યામાં મહિલા મતદારોએ પુરૂષ અથવા મહિલા ફોટોગ્રાફરો દ્વારા ફોટોગ્રાફ પડાવવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં 10 મહિનામાં માત્ર 2.10 લાખ ઓળખ કાર્ડ જ જાહેર થઇ શક્યા હતા


ગૃહમાં બિલ રજૂ કરવામાં આવ્યું


ચૂંટણી પંચ દ્વારા પ્રકાશિત પુસ્તક 'લીપ ઓફ ફેઈથ' અનુસાર, લોકોના પ્રતિનિધિત્વ (સુધારા) બિલ, 1958માં ફોટો ઓળખ કાર્ડ જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. તત્કાલિન કાયદા મંત્રી અને ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેનના નાના ભાઈ અશોક કુમાર સેને 27 નવેમ્બર, 1958ના રોજ સંસદના નીચલા ગૃહમાં બિલ રજૂ કર્યું હતું. આ બિલ 30 ડિસેમ્બર, 1958 ના રોજ કાયદો બન્યું હતું.


ચૂંટણી પંચે 2021માં વોટર આઈડી કાર્ડ (e-EPIC)નું ઈલેક્ટ્રોનિક વર્ઝન લોન્ચ કર્યું હતું. આ વોટર આઈડી કાર્ડનું સુરક્ષિત પીડીએફ વર્ઝન છે. તેને એડિટ કરી શકાતું નથી. તમે તેને મોબાઈલમાં ડાઉનલોડ કરીને સ્ટોર કરી શકો છો.